ઘોર બેદરકારી! રિવરફ્રન્ટ પર 5 વર્ષ પહેલાં પહેલાં બાંધેલી દિવાલ પડતાં બે મહિલા મજૂરનાં મોત

AMCની સાબરમતી રિવરફ્રન્ટ કંપનીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને કન્સલટન્ટની ઘોર બેદરકારીથી વધુ એક દુર્ઘટના ઘટી છે. આજે શનિવારે બપોરના ૩.૩૦ કલાકે શહેરના સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં એનઆઇડીની પાછળના ભાગે સ્પોર્ટસ સંકુલના અપર પ્રોમિનોડના વોક-વેને અડીને બેથી અઢી ફુટની દિવાલ ધરાશાયી થઇ હતી. ચાર મજુર દટાઇ ગયા હતા જેમાં બે મહિલા મજૂરના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય બે મજુર ઘાયલ થયા છે. માત્ર બેથી અઢી ફુટની દિવાલની બાજુમાં સાતથી આઠ ફુટ ઊંડો ખાડો કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નંખાઇ રહી હતી જેથી દિવાલનો પાયો કાચો પડયો હતો અને દિવાલ મજુરો ઉપડી પડી હતી અને ચાર મજુર ખાડામાં દટાયા હતા જે પૈકી બે મહિલા મજુરના મોત નિપજ્યાં હતા. પાંચ વર્ષ પહેલાં જ બનેલી દિવાલ પડી ગઇ ? સ્ટોર્મ વોટર લાઇન માટે ખાડો કરાઇ રહ્યો હતો તે વેળાએ દિવાલનો પાયો હલી જશે તેવી સામાન્ય જાણકારી પણ મ્યુનિ.ના ઇજનેરો કે કોન્ટ્રાક્ટરને નહીં હોય ? તે વાત હઝમ થાય તેમ નથી. આમ પ્રથમ દૃષ્ટિએ જ ઘોર બેદરકારીની ચાડી ખાતી દુર્ઘટનામાં પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને છારવાનો તખ્તો ઘડી કાઢયો હોવાનું જોવા મળી રહ્યું છે.

શહેરના સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં એનઆઇડીની પાછળ મ્યુનિ. તંત્ર દ્વારા રૂ.૨૦ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બાંધવાની કામગીરી ચાલી રહી છે. આ સ્પોર્ટસ સંકુલની સાઇટ અને હયાત રિવરફ્રન્ટના અપરપ્રોમિનાડની વચ્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. અહીં આજે શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં મજુરો જ્યારે સ્ટોર્મ વોટર લાઇન નાંખવા માટે સાત ફુટ ઊંડો ખાડો કરીને અંદર કામ કરી રહ્યાં હતા તે વેળાએ ધડાકા સાથે બે ફુટની દિવાલ તેમની ઉપર પડી હતી. અહીં ચાર મજુરો કામ કરી રહ્યાં હતા તેઓ આ દિવાલના કાટમાળમાં દટાઇ ગયા હતા. જે પૈકી બે મહિલા મજુરનું તો ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ ચારેય મજૂરો મૂળ મધ્યપ્રદેશના છે જે પૈકી ૨૬ વર્ષીય દિતાબેન અને ૪૫ વર્ષીય સુમનબેનનું દટાઇ જવાથી મોત નિપજ્યું હતુ જ્યારે દિતાબહેનના પતિ પણ ઘાયલ થયા છે. અમદાવાદ મ્યુનિ.ની એસવીપી હોસ્પિટલના બિલ્ડીંગનું કામ કરનારા કોન્ટ્રાક્ટર પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને અહીં સ્પોર્ટ સંકુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ અપાયેલો છે. અહીં પ્રથમ દૃષ્ટિએ જ કોન્ટ્રાક્ટર, કન્સલટન્ટ અને અધિકારીઓની બેદરકારી છતી થઇ રહી છે તેવું ખુદ મ્યુનિ.ના સુત્રો સ્વીકારે છે.

સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યુ કે, બપોરના સમયે દિવાલ ધરાશાયી થવાથી બે મંજૂરોના મોત થયા છે અને બે ઇજાગ્રસ્ત છે તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના કઇં રીતે બની તે જાણવા હ્લજીન્ની ટીમ તપાસ કરી રહી છે. FSLના રીપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.