મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસના સહકારથી સરકાર રચ્યા બાદ હવે શિવસેના ગોવામાં પોતાની સરકાર રચવાની વ્યૂહરચના ઘડી રહી હોવાનું જાણવા મલ્યું હતું. શિવસેનાના બોલકણા નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમારી સરકાર રચવાનું અમારું કામ પૂરું થયું. હવે અમે ગોવામાં અમારી સરકાર બનાવવાની યોજના ઘડી રહ્યા છીએ. ગોવામાં અમારી સરકાર રચાઇ જાય ત્યારબાદ સમગ્ર દેશ પર નજર કરીશું.
વાસ્તવમાં અમારે હવે સમગ્ર દેશમાં બિનભાજપી ગઠબંધન કરીને ભાજપને ખતમ કરવો છે. રાઉતે ઉમેર્યું કે અમે ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ અને ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય સરદેસાઇ સાથે બેઠક યોજી રહ્યા છીએ. ગોવામાં એક નવું ગઠબંધન રચાઇ રહ્યું છે. ટૂંક સમયમાં તમે ગોવામાં પણ એક ચમત્કાર જોઇ શકશો.
40 સભ્યોની ગોવા વિધાનસભામાં 2017માં ચૂંટણી થઇ હતી. એમાં કોંગ્રેસને 17 અને ભાજપને 13 બેઠકો મળી હતી. અન્ય પક્ષોમાં મહારાષ્ટ્ર ગોમાંતક પક્ષને ત્રણ, ગોવા ફોરવર્ડ પક્ષને ત્રણ, અપક્ષોને ત્રણ અને એનસીપીને એક બેઠક મળી હતી. કોઇને સ્પષ્ટ બહુમતી મળી નહોતી પરંતુ અચાનક દસ કોંગ્રેસી ધારાસભ્યો રાતોરાત ભાજપમાં જોડાઇ જતાં ભાજપે ગોવામાં સરકાર રચી હતી. આ સરકારને ગબડાવવાની યોજના હવે શિવસેના શરદ પવાર સાથે મળીને બનાવી રહી છે એવું રાઉતની વાત પરથી લાગતું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.