ગોંડલ પંથકના વિદ્યાર્થીઓ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં અનામત સીટ પર પ્રવેશ મેળવી શકશે

 પ્રવેશ આપવાનો અધિકાર રાજકોટ જિલ્લા કલેક્ટરને સુપરત

 

ગોંડલના શિક્ષણપ્રેમી મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં દાન અપાયું હતું જેની સામે તત્કાલીન ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓને અનામત સીટ પર પ્રવેશ આપવાનું નિર્ધારિત થયું હતું, પરંતુ સમયાંતરે અહીંના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનું બંધ થતાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા રજૂઆતનો મારો ચલાવવામાં આવતાં આખરે અનામત સીટ પર પ્રવેશ આપવાની સત્તા રાજકોટ જિલ્લા કલેકટરને મળવા પામી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી સદસ્યા દ્વારા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી કે રાજવી કાળમાં મહારાજા સર ભગવતસિંહજીએ પુનાની ફર્ગ્યુસન કોલેજને આર્થિક દાન આપ્યું હતું જેની સામે એ સમયના ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનામત સીટ રાખવામાં આવી હતી અને આ સીટ પર પસંદગી કરવાની સત્તા હાલ ગુજરાત રાજ્ય અધિક સચિવ, અગ્ર સચિવ અને ઉચ્ચ શિક્ષણ અધિકારી પાસે છે.

વિદ્યાર્થીઓ પાસે એની માહિતી ન હોવાના કારણે બેઠક દર વર્ષે ખાલી જતી હતી. તેથી તેમાં ફેરફાર કરી વિચારણા કરવા અને રાજકોટ કલેક્ટરને આ સીટ પર પ્રવેશ આપવાની સત્તાની માંગ કરાઈ હતી. જે મંજૂર થઈ જતાં હવેથી પુના ફર્ગ્યુસન કોલેજમાં અનામત સીટ પર રાજકોટ જિલ્લા કલેકટર ગોંડલ પંથકના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.