દાદાનું સ્વપ્ન પૂર્ણ: નવસારીના શાહ પરિવારનો દીકરો કેનેડામાં અન્ડર-19 ટીમમાં સિલેક્ટ જાણો

પૌત્રએ દાદાને ફોન કરી તેમનું સપનું પૂર્ણ થયાનો સંદેશો આપ્યો, દાદા-દાદીએ એકબીજાને મીઠાઈ ખવડાવી
જશ શાહ કેનેડાની ટીમમાંથી અન્ડર નાઇન્ટીન વર્લ્ડકપ 2022 રમશે
મારો પૌત્ર કેનેડામાં સ્નો પડ્યો હોય તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પ્રેક્ટિસ કરતો હતો: કાંતિલાલ શાહ
જશે સાત વર્ષ સુધી પૂનામની ક્રિકેટ ક્લબમાં ક્રિકેટની ઝીણવટભરી તાલીમ પણ લીધી છે.

નવસારીના અને કેનેડામાં આશરે 17 વર્ષથી સ્થાયી થયેલા શાહ પરિવારનો પુત્ર જશ શાહ કેનેડા ક્રિકેટ ક્લબમાં અન્ડર નાઇન્ટીન વર્લ્ડકપ ટીમમાં સિલેક્ટ થતા નવસારીમાં રહેતા દાદા-દાદીએ હર્ષ વ્યક્ત કર્યો હતો.વર્ષોથી નવસારીમાં રહેતા કાંતિલાલ શાહનો પુત્ર હિમાંશુ શાહ કેનેડામાં મોટેલ બિઝનેસ કરે છે અને તેમને એક દીકરો અને દીકરી છે. જે પૈકી દીકરો જશ શાહ હાલમાં 12 પાસ કરીને MBAનો અભ્યાસ કરી રહ્યો છે.

સાથે સાથે તેને તેના પિતા પાસેથી વારસામાં ક્રિકેટના લક્ષણો પણ મળ્યા છે. કારણ કે તેના પિતાને પણ બાળપણથી જ ક્રિકેટ રમવાનો લગાવ હતો, જેથી પુત્ર જશને પણ ક્રિકેટ પ્રત્યે લગાવ વધ્યો હતો. તેણે સાત વર્ષ સુધી પૂનામાં ક્રિકેટ ક્લબમાં ક્રિકેટની ઝીણવટભરી તાલીમ પણ લીધી હતી.

કેનેડામાં જશે પોતાના પિતા હિમાંશુભાઈ સાથે સવારે 5 વાગ્યે નીકળીને માઇનસ ટેમ્પરેચરમાં ક્રિકેટની વર્ષો સુધી તાલીમ લીધી છે. ત્યારબાદ હાલમાં અંડર-19 વર્લ્ડકપ 2022માં તેનું સિલેક્શન થતાં નવસારી રહેતા તેના દાદીનો હરખ સમાતો નથી. સિલેક્ટ થયા બાદ સૌપ્રથમ જશે પોતાના દાદાને ફોન કરીને તેમનું સપનું પૂર્ણ થયાનો સંદેશો આપ્યો હતો.

નવસારી રહેતા પરિવારે આ ખુશીના સમાચાર સાંભળીને એકબીજાને મોઢું મીઠું કરાવીને સિલેક્શનની ઉજવણી કરી હતી. તેમજ પોતાના પૌત્રની સિદ્ધિ બદલ દેશને ગૌરવ અપાવતાં તેમણે ખુબ ખુબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.