દિલ્હી એરપોર્ટ પર બેદકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઇટ પટના માટે ઉડાન ભરવાની તૈયારીમાં હતી તે વખતે કાર ફ્લાઇટના વ્હીલ પાસે આવી ગઇ હતી. જોકે વ્હીલ સાથે ટકરાતા બચી ગઇ હતી અને સદનસીબે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ હતી.
મંગળવારે દિલ્હી એરપોર્ટ પર આ અકસ્માત થયો હતો. આ કાર ગો ફર્સ્ટ એરલાઇનની હતી. આ અકસ્માત એરપોર્ટના T2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર થયો હતો અને અહીં ગો ફર્સ્ટ એરલાઇનની કાર ઇન્ડિગોની A320neo ફ્લાઇટના વ્હીલ નીચે આવી ગઇ હતી. DGCA આ મામલે તપાસ કરશે.
બીજી તરફ કાર ચાલકનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેથી જાણી શકાય કે તેણે દારૂ પીધો છે કે નહીં. જોકે, ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. તેમજ પ્લેનને કોઈ નુકસાન થયું નથી. મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટ પટના માટે ટેકઓફ કરવાની હતી અને ત્યારે તેની નીચે એક કાર આવી. જોકે, કાર પ્લેનના પૈંડા સાથે અથડાતા બચી ગઇ હતી. આ પછી પ્લેને પટના માટે ઉડાન ભરી હતી.
આ પહેલીવાર નથી જ્યારે ઈન્ડિગો ફ્લાઈટના મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા 28 જુલાઈએ કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટ ટેકઓફ દરમિયાન આસામના જોરહાટ એરપોર્ટ પર રનવે પરથી સરકી ગઈ હતી અને છ કલાકના પ્રયત્નો છતાં, અધિકારીઓ ટેકનિકલ ખામીને રિપેર કરવામાં નિષ્ફળ ગયા અને આખરે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી.
ગયા મહિને, 21 જુલાઈના રોજ, પટના એરપોર્ટ પર ઈન્ડિગોની એક ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી અને એક મુસાફરે દાવો કર્યો હતો કે, તે જહાજ પર બોમ્બ લઈ જવામાં આવી રહ્યો છે. તે પછી મુસાફરોએ નીચે ઉતરવું પડ્યું હતું અને આ અગાઉ, યુએઈના શારજાહથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી કારણ કે, પાયલટે એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી હોવાની જાણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.