નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 31 ઓક્ટોબરથી અસ્તિત્વમાં આવી રહેલા બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી દીધી છે. ગુજરાત કેડરના આઇએએસ અને કેન્દ્રીય ખર્ચ વિભાગના સચિવ ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ-કાશ્મીર અને રિટાયર્ડ આઇએએસ અધિકારી રાધાકૃષ્ણ માથુરને લદાખનો હવાલો સોંપાયો છે. જમ્મુ-કાશ્મીરના હાલના રાજ્યપાલ સત્યપાલ મલિકને હવે મૃદુલા સિંહાના સ્થાને ગોવાના રાજ્યપાલ બનાવાયા છે. ઉપરાંત ભાજપના કેરળ એકમના વડા પી.એસ. શ્રીધરન પિલ્લાઇને મિઝોરમનો કાર્યભાર સોંપ્યો છે. અત્યારે આસામના રાજ્યપાલ જગદીશ મુખી મિઝોરમનો હવાલો પણ સંભાળતા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વરણીઓને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું.
મુર્મુ ગુજરાતમાં મોદી સરકારના સંકટમોચન રહી ચૂક્યા છે
1985 બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી જીસી મુર્મુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા છે. આવતા મહિને જ સેવા નિવૃત્ત થઇ રહેલા મુર્મુને રીટાયરમેન્ટ પહેલા આ નવી જવાબદારી આપવામાં આવી છે કારણ કે મુર્મુએ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની કચેરીમાં જ અગ્ર સચિવ તરીકે સરકારના સંકટમોચન તરીકે અવારનવાર ભૂમિકા ભજવી છે. એપ્રિલ 2008માં મુર્મુને નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયમાં નિયુક્ત કર્યા હતા અને તેમને પોતાની પાસે રહેલો ગૃહવિભાગનો પોર્ટફોલિયો સંભાળવાનું કામ સોંપાયું હતું. તે પૂર્વે પણ તેઓ બે વર્ષ માટે ગૃહવિભાગમાં રહી ચુક્યા હતા. ગુજરાત રમખાણો અને ગોધરાકાંડની પશ્ચાદ્ભભૂમિમાં મુર્મુએ મોદી સરકાર માટે મહત્ત્વની જવાબદારીઓ અદા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.