નવસર્જન ગુજરાત તો બરાબર, પણ નવસર્જન કોંગ્રેસ ક્યારે ?

કોંગ્રેસ તરફથી ફરી એજ છાપેલા કાટલા જેવા નેતાઓ  રાજ્યસભામાં જશે.આ નેતાઓને કોંગ્રેસ આગળ કરીને ગુજરાતમાં હાથે કરીને પગ પર કુહાડો મારે છે. ફરી એજ નેતા શક્તિસિંહ ગોહીલ અને ભરત સોલંકી રાજ્યસભાની ચૂંટણી માટે પસંદ થયા છે. તેઓ બન્ને પ્રજામાં કોઈ રીતે લોકપ્રિય પણ અને નિષ્ફળ સાબીત થયેલા હોવા છતા પણ માત્ર ને માત્ર જૂથવાદના કારણે તેમને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ છે. જૂના કોંગ્રેસના લોકો પોતાને કોંગ્રેસ માને છે, બહારથી આવેલા હોય તેમને બહારના ગણીને કોરાણે મૂકી દેવામાં આવે છે. કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. જેટલા નેતાઓ બીજો પક્ષ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે. સામેના પક્ષમાથી નારાજગી વ્યકત કરી કે બળવો કરી કોંગ્રેસમા જોડાયા હોય એવા શક્તિશાળી લોકો કોંગ્રેસમાં લાંબો સમય ટકવા દેવામાં આવતા નથી. તેમની સામે અલગ જૂથ બનાવી દેવાઈ છે. અથવા કોઈ જૂથના ગણી લેવામાં આવે છે.

કોંગ્રેસમાં જે આવે તેને કાવતરાનો ભોગ 6+1 નેતાઓ બનાવી દે છે. જેને અહેમદ પટેલની ટોળકી ગણવામાં આવે છે. કોંગ્રેસમાં ભાજપની શક્તિશાળી હસ્તીઓ આવી હતી પણ તેમાં ધીરૂ ગજેરાથી કે બાવકુ ઉંઘાડ, શંકરસિંહ વાઘેલા, નરહરી અમીન, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ જેવા અનેક લોકોને અહેમદ પટેલની ટોળકીએ ઠેકાણે પાડી દીધા છે.

કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયાએ પણ કોંગ્રેસને મદદ કરી હતી. ચીમનભાઈ પટેલના શક્તિશાળી જૂથનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરાયું હતું. તેને અલગ જૂથ આજે પણ ગણાવામાં આવે છે. પાણાં તરીકે ઉપયોગ સિધ્ધાર્થ પટેલનો કરાય છે. એક શક્તિશાળી જૂથ નરહરી અમીનનું હતું. તેમની સાથે કોંગ્રેસની આ ટોળકી અત્યંત ખરાબ વર્તન કરતી રહી હતી. તેઓ ગયા પછી જનતાદળ જૂથ સાફ થઈ ગયું છે. સિદ્ધાર્થ પટેલ એક રહ્યાં છે તેમનો આ ટોળકી ઊંંટ તરીકે ઉપયોગ કરે છે. બિમલ શાહ છેલ્લું ઉદાહરણ છે.

ભાજપથી આવેલા શક્તિશાળી 50થી વધું ધારાસભ્યો અને નેતાઓ જો કોંગ્રેસમાં આજે હોત તો કોંગ્રેસ સત્તા સ્થાને રહેતી હોત. તેઓ કોંગ્રેસમાં આવ્યા પણ તેમને ટકવા દીધા નથી.

આ ચંડાળ ટોળકીના કારણે 2007, 2012 અને 2014ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ જીતી શક્યો હતો. પોતાના જૂથના નેતાને ટિકિટ ન મળે એટલે જેને ટિકિટ આપવામાં આવી હોય તેમને હરાવવવા મેદાને પડે અને હરાવે છે. આમ ભાજપ 25-50 બેઠક વધારે જીતતો આવ્યો છે. છેલ્લી ઘડીએ પોતાના જૂથના લોકોને ટિકિટ આપે અને ભાજપ તેના પરથી જીતે એવો દાવ સતત થતો રહ્યો છે. વિરોધ કરાવે તેને સસ્પેન્ડ કરાવે અને પછી તેને પેલા નેતા પક્ષમાં લાવી દે. આવું કોંગ્રેસ વિરોધી નાટક આ ચંડાળ ચોકડી ચલાવતી રહી છે.

કોંગ્રેસના કારણે ભાજપ જીતે છે

ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે. તે પોતાનો નિર્ણય સારી રીતે કરે છે. કોંગ્રેસની આંતરિક લડાઈ પ્રજાને પરેશાન કરે છે. પ્રજા કોંગ્રેસને ઈચ્છે છે પણ આવી ટોળકી વાળી કોંગ્રેસ તેઓ ઈચ્છતી નથી. તેને તો ભાજપ સામે લડી શકે એવી મજબૂત કોંગ્રેસ જોઈએ છે. 1998થી 2002 સુધીની સરકાર લોકોએ બનાવેલી સરકાર હતી. પણ 2007, 2012, 2017માં ભાજપે જે સરકાર બનાવી છે તે ભાજપે નથી બનાવી કોંગ્રેસે તેમને સરકાર બનાવવામાં મદદ કરી છે. દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી બનાવવા માટે કોંગ્રેસની આ ટોળકી મદદ કરી રહી છે.

છેલ્લી 3 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ હારી તે કોંગ્રેસના કારણે નહીં પણ આ સ્થાપિત ટોળકીના કારણે હારી છે. માત્ર કોંગ્રેસના સ્થાપિત હિત ધરાવતાં નેતાઓ હાર્યા છે. ગુજરાત કોંગ્રેસ પર ઠોકી બેસાડેલા નેતાઓ હાર્યા છે. અહેમદ પટેલની આ ટોળકીએ ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતનુ નખ્ખોદ વાળ્યું છે. નેતાગીરીમાં કોઈનો પ્રભાવ ન હોવા છતા દિલ્હીના મોવડીઓ તેમને આગેવાની આપીને નેતાગીરી ચાલી રાખી છે.

દિલ્હીમાં આ ટોળકી જે કહે તે જ કોંગ્રેસના નેતાઓ માનતા આવ્યા છે. દિલ્હીના નેતાઓએ આ પાંચને જ નજીક આવવા દીધા છે. જો 6+1 નેતાઓના બદલે 50 લોકોને દિલ્હીમાં સાંભળવામાં આવ્યા હોત તો ગુજરાતમાં છેલ્લી 3 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જીતી હોય અને તેની સરકાર હોત. પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન બને તે માટે અહેમદ પટેલે ઠેકો લઈ લીધો છે. નરેન્દ્ર મોદીને તેઓ સીધી મદદ કરી રહ્યાં છે.

તેમના આ 6 પ્યાદા તેઓ કહે એટલું ગુજરાતમાં કરે છે, ભાજપને મદદ કરે એવું કરે છે. ગુજરાતની જનતામાં કોંગ્રેસની છબી બગાડી રાખવામાં આ ચંડાળ ચોકડી અને અહેમદ પટેલ જવાબદાર છે.મોવડી મંડળ આ બગડેલા નેતાઓની કોંગ્રેસમાં સર્જરી કરીને બગાડ બહાર ફેંકી નહીં દે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપ વધારે આગળ વધવાનું છે.

કોંગ્રેસ એવા નેતાઓને લાવે કે જેનું પ્રજામાં કંઈક ઉપજે અને જીતી બતાવે. પણ જે જીતતા નથી તેમને નેતા બનાવે છે અને કોંગ્રેસને પાડે છે. આવા લોકોનું જ પ્રભુત્વ કોંગ્રેસમાં રહ્યું છે.

અહેમદ પટેલ

અહેમદ પટેલ માટે ગુજરાતમા કોઇ રાજકિય જમીન બચી નથી.  દિલ્હીના સંબધોએ તેની રાજગાદી ટકાવી રાખી છે, લોકસભા હાર્યા પછી 2005થી 4 ટર્મથી રાજ્યસભામાં જાય છે. પોતાના ઉમેદવારને ભરૂચમાં પણ જીતાડી શકતાં નથી અને દેશને જીતાડવાની સલાહ સોનિયા ગાંધીને આપે છે.

શકિતસિંહ

7 વાર વિધાનસભાની ટિકિટ આપી , એકવાર વિપક્ષના નેતા બનાવ્યા. 1990થી સક્રિય હતા અને AICCમાં પ્રવકતા, પ્રભારી વગેરે પદો મેળવી દિલ્હી રહીને માત્ર પોતાના વ્યકિતગત સંબંધો વિકસાવ્યા છે. પરંતુ ગુજરાતના કોંગ્રેસ બેઠી કરી શકયા નથી. ગુજરાત કોંગ્રેસ બેઠી થાય કે ન થાય તેમાં શક્તિ ગોહિલને કોઈ રસ નથી. તેમને તો પોતે મજબૂત રહેવું છે. તેઓ હવે અહેમદ પટેલથી અલગ રીતે સરકી રહ્યાં છે. રાહુલ ગાંધીની નજીક તેઓ જઈ રહ્યાં છે. જે અહેમદ પટેલને પસંદ નથી. શક્તિ ગોહિલ પોતે પોતાનો મતવિસ્તાર પણ સાચવી શકયા નથી. છેલ્લી ૩ વિધાનસભાની ચૂંટણી ૩ જગ્યાએ અલગ લડયા છે. એ બતાવે છે કે આ નેતાની જનતામાં કોઈ પકડ રહી નથી.

ભરતસિંહ સોલંકી

1998 પછી બે બે વાર પ્રદેશ પ્રમુખ, ૩ વાર લોકસભાની ટીકીટ અને કેન્દ્રીય મંત્રી બનાવ્યા હોવા છતા ગુજરાતમા કોંગ્રેસને બેઠી કરી શકયા નથી. માત્ર વગઁ વિગ્રહ કરી જુથવાદ બહેકાવવાનુ કામ કયું છે. તેઓ પિતા માધવસિંહ સોલંકીના પગલે ચાલ્યા છે.

અર્જુન મોઢવાડીયા

2002, 2007, 2012, 2017 એમ 4 વખત ટિકિટ આપી હતી. 2007માં તેઓ એક વખત જીત્યા હતા. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવાયા હતા. પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. તેમના સમયમાં જ કોંગ્રેસ સૌથી વધું નબળી પડી હતી. નરેન્દ્ર મોદી તેમના સમયમાં સૌથી વધું મજબૂત બન્યા છે. તેમની સમયમાં ભાજપ સૌથી વધુ મજબૂત બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.