ગુજરાત: કિશોરની હત્યામાં 14 લાખ ચૂકવ્યાનો સામે આવેલી ઓડિયો ક્લિપમાં ઘટસ્ફોટ

વસાદરાના પુંજાપુર ગામે ત્રણ માસ અગાઉ 15 વર્ષીય કિશોર સચીન પગીની થયેલી ક્રુર હત્યામાં તેનો જ કૌટુંબિક ભાઈ એવો સગીર હાલ મહેસાણા બાળ સંરક્ષણ ગૃહમાં છે. ત્યારે સગીરે તાજેતરમાં તેના માતા-પિતા સાથે કરેલી વાતચીતની કથિત ઓડિયો ક્લીપ વાઈરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.અને કથિત ઓડિયો ક્લીપને સત્તાવાર સમર્થન મળ્યું નથી.

પરંતુ વાતચીતમાં સગીરે જે ચોંકાવનારી હકીકતો ઉજાગર કરી છે તેણે આખી તપાસ સામે જ સવાલો ઉભા કરી દીધા છે. વાઈરલ થયેલી કથિત ઓડિયો ક્લીપ મુજબ મૃતક કિશોરને કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. જેમાં છોકરીના પરિવારે આરોપી સગીરને સાથે રાખી સમગ્ર હત્યાકાંડને ખુબ જ વ્યવસ્થિત રીતે અંજામ આપ્યો હોવાનું વાતચીતમાં સ્પષ્ટ થાય છે. અને ઓડિયો ક્લીપ અનુસાર કિશોરની હત્યા કરવા માટે 14 લાખની રકમ નક્કી કરાઇ હતી.

જે રકમમાં કેટલાક અન્ય શખ્સો સાથે આરોપી સગીરનો પણ ભાગ હોવાનું કથિતપણે સગીર તેના માતા-પિતા સાથેની વાતચીતમાં કહી રહ્યો છે. તેના કહેવા મુજબ હત્યા કોઈ અન્ય શખ્સે કરી છે. પરંતુ તેને એકલાને ફસાવી દેવાયો છે, તેવું કથિત ઓડિયો ક્લીપમાં તે કહી રહ્યો છે. અને મૃતકના આરોપીની માતા સાથે આડાસંબંધ હોઈ હત્યા થયાની અરવલ્લી જિલ્લા એલસીબીએ રજુ કરેલી થિયરીનો છેદ ઉડાવી દીધો છે.

હત્યા કેસમાં અટકાયત કરવામાં આવેલા સગીરને હાલ મહેસાણા બાળ સંરક્ષણ ગૃહમાં રખાયો છે.અને થોડા સમય અગાઉ તેણે મહેસાણાથી તેના માતા-પિતા સાથે કરેલી વાતચીતની કથિત વાઈરલ થયેલી ઓડિયો ક્લીપના મુખ્ય અંશ આ પ્રમાણે છે. ઓડિયો ક્લીપને સત્તાવાર સમર્થન મળ્યું નથી કે તેમાં થયેલી વાતચીતની સચ્ચાઈ અંગે સંદેશ તેની પુષ્ટિ પણ કરતું નથી.

મૃતકના પિતાએ ઓડિયો ક્લીપની સીડી બનાવી બાયડ પોલીસને આપેલી છે. આજ દિન સુધી કોઈ જ તપાસ ન થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે કોઈ નિર્દોષ વ્યક્તિ બલીનો બકરો ન બની જાય તે જોવાનું કામ પોલીસનું છે. પરંતુ અરવલ્લી જિલ્લા એલસીબી તેમજ સ્થાનિક પોલીસની અત્યાર સુધી શંકાસ્પદ કામગીરી રહી હોવાનું સ્થાનિક પુંજાપુર ગામના લોકોનું માનવું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.