Gujarat Toursit Places: ગુજરાતમાં એક શહેર એવું છે જે પહાડની તળેટીમાં વસેલુ છે અને અનેક સ્થળો એવા ધરાવે છે જેની એક મુલાકાતથી મન ખુશ ખુશ થઈ જાય. આજે આપણે ગુજરાતના આ પ્રવાસનની રીતે સમૃદ્ધ શહેરની માહિતી મેળવીશું.
આપણું ગુજરાત પ્રવાસન સ્થળોની રીતે ખુબ જ સમૃદ્ધ છે જ્યાં તમને ઐતિહાસિક વારસાની સાથે સાથે સાપુતારા, વિલસન હિલ્સ, ગિરનાર જેવા પહાડી વિસ્તારોની પણ મજા માણવા મળી રહે છે. તો 1600 કિમીનો દરિયાકિનારો અનેક અદભૂત બીચ પણ મજા માણવા માટે આપે છે. આ બધામાં એક શહેર એવું છે જે પહાડની તળેટીમાં વસેલુ છે અને અનેક સ્થળો એવા ધરાવે છે જેની એક મુલાકાતથી મન ખુશ ખુશ થઈ જાય. આજે આપણે ગુજરાતના આ પ્રવાસનની રીતે સમૃદ્ધ શહેરની માહિતી મેળવીશું.
તળેટીમાં વસેલું શહેર
ગુજરાતની શોભા એવા ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું શહેર છે જૂનાગઢ. જે કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક ઈમારતો અને સુંદરતા માટે જબરદસ્ત ટ્રાવેલ ડેસ્ટિનેશન ગણી શકાય. જો તમને ઈતિહાસ પ્રત્યે પ્રેમ હોય અને પ્રકૃતિને ખોળે ખેલવું ગમતું હોય તો જૂનાગઢ કોઈ સ્વર્ગથી જરાય કમ નથી. અહીં તમને રહસ્યમય ગુફાઓ, ઝૂઓલોજિકલ પાર્ક, ધાર્મિક મંદિર, મહાબત મકબરા જેવા સ્થળો જોવા મળી રહેશે. જૂનાગઢમાં આ જગ્યાઓ જરૂરથી જોઈ લેજો નહીં તો વસવસો થઈ જશે.
મહાબત મકબરા
જૂનાગઢમાં આવેલા મહાબત મકબરા અને બહાઉદ્દીન મકબરાનું બાંધકામ જૂનાગઢ રાજ્યના તે વખતના નવાબ મહાબત ખાન દ્વિતીય અને તેમના મંત્રી બહાઉદ્દીન હુસૈનને સમર્પિત છે. તે વખતે બાબી વંશના નવાબોનું શાશન હતું. મહાબત મકબરાનું નિર્માણ 1878માં બાબી વંશના નવાબ મહાબતખાન દ્વિતિય દ્વારા શરૂ કરાયું હતું. અને 1892માં નવાબ બહાદુરખાન ત્રીજાના શાસનમાં પૂરું થયું હતું. તેમાં મહાબતખાન દ્વિતિયની કબર છે. આ મકબરા પ્રાચીન સ્મારકો અને પુરતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1965 હેઠળ રાજ્ય સંરક્ષિત સ્મારક છે. આ મકબરા ઈન્ડો-ઇસ્લામિક, ગોથિક અને યુરોપિયન શૈલીના સંયોજન માટે ખુબ જાણીતા છે. તેમાં ડુંગળી આકારના ડોમ, ફ્રેન્ચ બારીઓ છે.
દાતાર હિલ
દાતાર હિલ જૂનાગઢ એ એક પવિત્ર સ્થળ છે. દાતાર પર્વત એ ગિરનાર પર્વતની બરાબર સામે આવેલો છે. દાતાર પર્વત હિન્દુઓ અને મુસલમાનો બંને ધર્મના ભક્તો માટે લોકપ્રિય સ્થળ છે. આ સ્થળનું વાતાવરણ એકદમ અદભૂત છે અને ટેકરીઓ કુદરતી સૌદર્યથી છલોછલ છે.
ઉપરકોટ કિલ્લો અને ગુફા
ઉપરકોટનો કિલ્લો એ જૂનાગઢની પૂર્વ બાજુએ આવેલો છે. મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી તથા તે ગુપ્ત સામ્રાજ્યસુધી મહત્વનું રહ્યું. આ ઉપરાંત ઉપરકોટની ગુફાઓ પણ પ્રસિદ્ધ છે. જે પ્રાચીન માનવસર્જિત ગુફાઓ છે. આ ગુફાઓ જૂનાગઢ બૌદ્ધ ગુફા સમૂહનો એક ભાગ છે. એવું કહેવાય છે કે આ ગુફાઓ ઉપરકોટમાં 300 ફૂટ ઊંડી ખાઈ પછી અડી કડીવાવ પાસે, ઈસ 2જી-3જી સદીમાં બનાવવામાં આવી હતી.
ગિરનાર હિલ
ગિરનાર પર્વત એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાતના જૂનાગઢ શહેરથી 5 કિમી ઉત્તરે આવેલો પર્વતોનો સમૂહ છે. જ્યાં સિદ્ધ ચોરાસીના બેસણા છે. ગિરનારના કુલ 5 પર્વતો પર થઈને 866 મંદિરો આવેલા હોવાનું કહેવાય છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે. જેમાં લાખો લોકો ભાગ લે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ઉઘાડા પગે ગિરનાર પગથિયા ચડવાથી સ્વર્ગ મળે છે.
ગીર નેશનલ પાર્ક
જૂનાગઢ નજીક ગીર નેશનલ પાર્ક પણ આવેલો છે જે લગભગ જૂનાગઢથી 72 કિમી જેટલા અંતરે છે. સિંહો માટે એકમાત્ર પાર્ક છે. આ વિસ્તાર સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભ્યારણ્ય છે. તેની સ્થાપના 1965માં થઈ હતી. એશિયાઈ સિંહો માટે એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્વના રક્ષિત વિસ્તાર તરીકે નોંધમાં લેવાયેલો છે. વર્ષ 2010માં અહીં 411 સિંહ હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.