ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ગુજરાતના કુલ 11 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું. અને જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ તેમજ કચ્છના કંડલા એરપોર્ટમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોચી જતાં હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું હતુ.
જોકે, અમદાવાદ શહેરના નાગરિકો સતત ચાર દિવસથી કાળઝાળ ગરમી અને ‘લૂ’ થી તોબા પોકારી ઊઠયાં છે, શહેરમાં છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાતી વિગતો મુજબ હાલની સ્થિતિએ અમદાવાદમાં જે ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે તેના પાછળનું કારણ એવું છે કે, શહેરમાં સામાન્ય કરતાં 5થી 6 ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં મોટાભાગે માર્ચના છેલ્લા દિવસોમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરમાં 14મી માર્ચે તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું, જે આજે પણ યથાવત છે.અને ઉલ્લેખનીય છે કે, એપ્રિલ માસમાં અમદાવાદ શહેરનું તાપમાન 45 ડિગ્રીને પાર જાય છે.
દેશનાં ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાનમાં વધારો થવાને પગલે દેશનાં 8 રાજ્યમાં આગઝરતી ગરમીનો પ્રકોપ જોવા મળશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે. પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારશે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં તેમજ જમ્મુ, હિમાચલપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભમાં તેમજ ઓડિશા અને તેલંગણામાં પણ અંગ દઝાડતી ગરમીની આગાહી કરાઈ છે. આગામી 48 કલાક ગરમ પવન તેમજ લૂ ફૂંકાશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. જો કે તે પછી તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થઈ શકે છે.અને દક્ષિણ પૂર્વ હિન્દ મહાસાગર તેમજ બંગાળના અખાતમાં 21મીએ વર્ષ 2022નું પહેલું ચક્રવાતી વાવાઝોડું ‘આસની’ આકાર લેશે તેવી આગાહી કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.