દેશમાં 24 એપ્રિલથી 21 દિવસનું લોકડાઉન લગાવ્યું હતું. જે બાદ લોકડાઉન 2.0 શરૂ થયું. 3 મેના રોજ દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થયા પછી, કેટલીક કડક શરતો સાથે ગ્રીન ઝોન તરીકે ચિહ્નિત થયેલ વિસ્તારોને છૂટ આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત રેડ ઝોન વિસ્તારોને આ ક્ષણે કોઈપણ જાતની રાહત આપવામાં આવશે નહીં.
ગુજરાતમાં હોટસ્પોટવાળા વિસ્તારો પહેલાની જેમ સીલ રહેશે. ગુજરાતમાં હાલ કોરોના હોટસ્પોટ શહેરોમાં અમદાવાદ, વડોદરા અને સુરત આવે છે. આવા શહેરોમાં લોકડાઉન બંધ થવાના કોઈ અણસાર દેખાતા નથી. હાલમાં રોજેરોજ ગુજરાતમાં સવાર સાંજ નવા 100 જેટલા કેસ આવે છે તે આ વિસ્તારોમાંથી જ મુખ્ય છે.
ગુજરાતના 85 ટકા કેસો ફક્ત આ ત્રણ શહેરોમાં હોઈ ગુજરાતમાં આ ત્રણ શહેરો 3 મે પહેલા ગ્રીન ઝોન થવા અસંભવ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રીન ઝોનમાં ત્રણ મે પછી લોકડાઉન આગળ નહીં વધારવા સરકાર વિચારી રહી છે. પરંતુ રેડ ઝોન વિસ્તારમાં સંપૂર્ણ પણે કેવી રીતે કોરોના નિયંત્રમણમાં આવે તેના પ્રયાસો કરાશે.
કડક શરતોનું કરવું પડશે પાલન
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળના કેન્દ્રિય મંત્રી મંડળની બેઠકમાં (જીઓએમ) કોરોના સામે લડવા માટે સહમતી બની ચૂકી છે. ગ્રીન ઝોનની શ્રેણીમાં એવા વિસ્તારોને રાખવામાં આવ્યા છે કે જે સંપૂર્ણ રીતે કોરોના મુક્ત છે કે કોરોના મુક્ત બન્યા છે. આવા વિસ્તારોમાં લોકડાઉન દૂર કરવામાં આવશે પરંતુ સ્થાનિક રહેવાસીઓને માસ્ક પહેરવા અને સામાજિક અંતરને અનુસરવા સહિતની ઘણી અન્ય કડક શરતોનું પણ ખાસ પાલન કરવું પડશે. જો આ કરવામાં નહીં આવે, તો વિસ્તારમાં ફરીથી લોકડાઉન મૂકવામાં આવશે. સૂત્રો કહે છે કે રેલવે, હવાઈ અને આંતરરાજ્ય બસ સેવાઓ પરનો પ્રતિબંધ લોકડાઉન પછી પણ ચાલુ રહેશે. જોકે બુધવારે જીઓએમ પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરશે.
નિષ્ણાંતોનો લેવાશે અભિપ્રાય
લોકડાઉન બીજા તબક્કાના અંત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો, વિવિધ પક્ષોના નેતાઓ સાથે અલગ બેઠક કરશે. વડા પ્રધાન આ પહેલા પણ બે વખત મુખ્યમંત્રીઓ સાથે વર્ચુઅલ મીટિંગો કરી ચુક્યા છે. વડા પ્રધાન 3 મે પછીની વ્યૂહરચના અંગે અંતિમ નિર્ણય લેશે, જેમાં મુખ્યમંત્રી, નિષ્ણાતો અને વિવિધ પક્ષોના નેતાઓનો અભિપ્રાય લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.