ગુજરાતમાં આવનાર વિદેશી નેતાઓના કારણે ગરીબોની મજાક કેમ બને છે? ભારતમાં રહેલી દારૂણ ગરીબીને છૂપાવવાનો થાય છે નકામો પ્રયાસ

ભારતમાં રહેલી દારૂણ ગરીબીને છૂપાવવા માટે પહેલાં પડદાની ગ્રીન વોલબાંધવામાં આવતી હતી, જે બાદ હવે અમેરિકાના ખાસ મહેમાન માટે તો પાક્કી ઈંટોની દિવાલ બનાવી દેવામાં આવી હતી. જો કે આ દિવાલ અમેરિકાના રાષ્ટ્રપતિને ગંદી ન દેખાઈ તે માટે તેની આગળ છોડ લગાવી દેવામાં આવ્યા છે. સરકાર જેટલો ખર્ચો પોતાની અમીરી દેખાડવામાં કરી રહી છે તેનાથી તો અનેક ગરીબોના ઘર બની ગયા હોય. અને સરકારને આવાં પ્રયાસો કરવાની જરૂર પણ ન પડતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના રોડ શો વખતે એરપોર્ટ નજીક હાંસોલના સરણિયા વાસ ખાતે આવેલી ઝૂંપડપટ્ટી ન દેખાઈ તે માટે તેને ઢાંકવા દિવાલ બનાવવામાં આવી હતી. આમ તો દિવાલ 8 ફૂટની બનાવવાની હતી. પણ વિવાદ વધતાં દિવાલ 4 ફૂટની જ બનાવવામાં આવી હતી. પણ હવે ટ્રમ્પ સાહેબ આવતાં હોય તો તેમના રૂટમાં આવતાં તમામ રસ્તાઓની સૂરત બદલી કાઢવામાં આવી છે. તેવામાં આ દિવાલ સરકારને આંખમાં ખૂંચતી હતી. બસ પછી તો શું સરકારે દિવાલ આગળ છોડ વાવી તેનું બ્યુટીફિકેશન કરી દીધું. અને રાતોરાત કોનોકારપસના 150થી વધુ વૃક્ષો લગાડી દેવામાં આવ્યા હતા.

આમ પણ ગુજરાતમાં આવા બ્યુટીફિકેશન કાંઈ નવું નથી. ગુજરાતમાં શી જિનપિંગ હોય કે પછી જાપાનના વડાપ્રધાન હોય કે ઈઝરાયેલનાં, તેઓ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા છે ત્યારે દર વખતે આ પ્રકારે ગરીબોની મજાક ઉડાવવામાં આવે છે. અને પાંચ પાંચ વખત આ રીતે ગરીબો સાથે ક્રૂર મજાક ઉડાવવામાં આવી છે. ઈતિહાસમાં ગુજરાતમાં જો ટ્રમ્પની મુલાકાત છપાશે તો તેની સાથે ગરીબીનો આ રીતે મજાક ઉડાવવામાં આવી હતી તે પણ નોંધાશે કે કેમ તે એક સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.