ગુજરાતમાં એક સાથે બે પ્રદેશ પ્રમુખ બદલાય તેવી સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટી નવા પ્રદેશ પ્રમુખની તલાશમાં છે. ભાજપ અને કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ પાટીદાર અથવા તો ઓબીસીમાંથી આવી શકે છે. બન્ને પાર્ટીમાં નવા ચહેરાને તક મળશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના હાઇકમાન્ડે ગુજરાતની બોડી વિખેરી નાંખી છે, જ્યારે ભાજપના નવા સંગઠનની રચના ખોરંભે પડી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નેતૃત્વમાં પાર્ટીએ વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણીમાં ત્રણ બેઠકો ગુમાવ્યા પછી પાર્ટીનું હાઇકમાન્ડ તેમનાથી નારાજ છે. જીતુ વાઘાણીના સ્થાને કોઇ પાટીદાર અથવા તો ઓબીસી નેતાને પ્રમુખપદ મળે તેવી સંભાવના છે. શક્ય છે કે સરકારની કેબિનેટમાંથી પણ મંત્રી હોઇ શકે છે, કારણ કે સંગઠનની જેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારની કેબિનેટમાં પણ મોટો બદલાવ આવી રહ્યો હોવાનું સૂત્રો કહી રહ્યાં છે.
ભાજપમાં પ્રદેશ પ્રમુખ ક્યા સમાજના મુકવા તે અંગે દ્વિધા છે. એક એવી અટકળો પણ વહેતી થઇ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પટેલ કે ઓબીસી નથી તેથી ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીદાર અથવા તો ઓબીસીમાંથી આવી શકે છે. પાર્ટી પાસે હાલ સાત જેટલા નામ છે પરંતુ તેની પર પસંદગી ઉતારી શકાતી નથી, કારણ કે ભાજપના જિલ્લા પ્રમુખો અને રાજ્યનું માળખું બનાવવાનું હજી બાકી છે. પાર્ટીનું હાઇકમાન્ડ પણ સરકારમાં બદલાવ જોઇ રહ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં રૂપાણી સરકારનું વિસ્તરણ થાય તેવી પણ એક શક્યતા નકારી શકાય તેમ નથી.
બીજી તરફ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હારી ચૂકેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બદલાશે. પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો મળી હોવાથી અમિત ચાવડાને બદલવામાં આવશે નહીં પરંતુ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી ગુજરાતના સંગઠનમાં મોટો બદલાવ ઇચ્છી રહ્યાં છે તેથી પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. અમિત ચાવડા હાલ પાર્ટીના કેરટેકર પ્રદેશ પ્રમુખ છે. કોંગ્રેસનું નવું સંગઠન બનાવવામાં આવનાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.