રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેરથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં હજુ પણ ઘણાં વિસ્તારમાં વરસાદી ઈનિંગ શરૂ જ છે ત્યારે આજે ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશર અને બે સાયક્લોનીક સર્ક્યૂલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યાના 204 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા એક દિવસની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધારે સુરતના માંગરોળમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કામરેજમાં 6.5 ઇંચ, ઉમરગામમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ડાંગના આહવામાં 1.12 ઇંચ અને વઘઇમાં 1.72 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સુબિરમાં 1.28 ઇંચ અને સાપુતારામાં 1.56 ઇંચ વરસાદ પડ્યો છે.
વિશ્વામિત્રી ભયજનક સ્તરે
વડોદરામાં 2 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વિશ્વામિત્રી નદીનું લેવલ 22.75 ફૂટ થયું. વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં આવતા લોકોએ ઘર ખાલી કરવા પડી રહ્યા છે. કંટ્રોલરૂમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. ગીર સોમાનાથીની વાત કરવામાં આવે તો વરસાદના કારણે અહીંની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. હીરણ, કપિલા અને સરસ્વતી નદી બે કાંઠી વહેતા સોમનાથમાં આવેલો ત્રિવેણી સંગમ પરનો ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 5.5 ઈંચ, સુત્રાપાડામાં 4 ઈંચ, તાલાલામાં 4.5 ઈંચ, ગીર ગઢડામાં 4 ઈંચ, વેરાવળ 2.5માં ઈંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગરમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન છે. આજે પણ ભાવનગરમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજામાં 15 મીમી, શિહોરમાં 12 મીમી, વલ્લભીપુરમાં 22 મીમી વરસાદ ખાબક્યો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 71.88 ટકા વરસાદ પડ્યો છે. આ સિવાય અમરેલી પંથકના અનેક તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો. અમરેલીના ખાંભા પંથકમાં છેલ્લા 8 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.