ગુજરાત વિધાનસભામાં 26મી ફેબ્રુઆરીએ રજૂ થનારા 2020-21ના વર્ષના સામાન્ય બજેટમાં આ વખતે અરવિંદ કેજરીવાલ ઇફેક્ટ જોવા મળી શકે તો નવાઇ પામવા જેવું નથી. દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે મુદ્દાઓ પર વિજય થયો છે તેવો વિજય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થાય તે માટે સરકારે અત્યારથી આયુધ સજાવ્યા છે.
રાજ્યના નાણા વિભાગના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે અમારા બજેટનું કદ 2.22 લાખ કરોડ જેટલું થવાનું છે. આ વખતે અમે પ્રજાકીય કામોને વધારે મહત્વ મળે તે દિશામાં કામગીરી કરવાના છીએ. અંદાજપત્રમાં રાજ્યના કૃષિ સેક્ટરને વધારે ઉત્તેજન મળે તે માટે કૃષિ કલ્યાણની અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત ગ્રામીણ તેમજ શહેરી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે નવા વર્ષના સામાન્ય અંદાજપત્રમાં દિલ્હીની પેટર્ન પ્રમાણે રાજ્યના વિકાસની યોજનાઓ મંજૂર થાય તેવી સંભાવના છે. રાજ્યના નાણામંત્રી આ વખતે અંદાજપત્રમાં લોકો ખુશખુશાલ થઇ જાય તેવી નવી યોજનાઓ લાવી રહ્યાં છે. એ સાથે આમ આદમીને સ્પર્શતી બાબતોની જોગવાઇ પણ કરવામાં આવી શકે છે.
રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને જીવતદાન મળે તે માટેના પ્રયાસો અંદાજપત્રમાં કરવા માટે વિભાગોના વડા અને ઉચ્ચ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. રૂપાણી જો સ્થાનિક ચૂંટણી હારી જાય તો ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન શક્ય છે પરંતુ જો સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ઉત્તમ દેખાવ રહ્યો તો 2022ની વિધાનસભા ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાય તેવી સંભાવના નકારી શકાતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.