ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પણ ભેદભાવ, લાંચનો મોટો હિસ્સો અધિકારીઓ લઈ જાય, પણ પકડાય ફક્ત આ લોકો

વર્ષ ૨૦૧૯માં ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સરકારના જુદા જુદા વિભાગોમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દુરઉપયોગના કુલ ૨૫૫ કેસો નોંધીને ૪૧૭ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વર્ગ ૧ના ૧૬ અધિકારી, વર્ગ ૨ના ૬૨, વર્ગ ૩ના ૧૮૭ અને વર્ગ ૪ના ૮ લાંચિયા ઝડપાયા હતા. જેમાં લાંચિયા સરકારી બાબુઓ વતી ૧૪૪ ખાનગી વ્યકિતઓ લાંચ લેતા પકડાયા હતા.જેમાં સૌથી ભષ્ટ ગૃહખાતાના કુલ ૬૭ કેસો, બીજા નંબરમાં પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણમાં ૩૪ અને ત્રીજા નંબરમાં મહેસૂલ ખાતામાં ૩૨ કેસો કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા લાંચના કેસો તો કરવામાં આવે છે પરંતુ તેને સાબિત કરવામાં મોટાભાગના કેસમાં નિષ્ફળ નીવડે છે. લાંચ લેનારાઓ પકડાવા છતા તેમને સજા થતી નથી, જેના લીધે તેઓ બેફામ બની ગયા છે અને પકડવાનો કે કેસનો કોઈ ડર નહી હોવાથી લાંચની રકમમાં ચાર ગણો વધારો કરી દીધો છે. એટલુ જ નહીં એસીબીની કચેરીના મુદ્દામાલ રૂમમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો હતો. જેમાં પણ આજ દિન સુધી ગુજરાતની ઝાંબાજ પોલીસ હજુ સુધી કોઈને પકડી શકી નથી. ગુજરાત જમીન વિકાસ નિગમના ભષ્ટાચારી એમડી કનૈયાલાલ દેત્રોજા પાસેથી એક ડાયરી એસીબીએ પંચો રૂબરૂ કબજે લીધી હતી. જો કે, દેત્રોજાની ડાયરીમાં સરકારી બાબુઓ અને રાજકારણીઓના નામો અને નાણાંકીય વ્યવહારો મળ્યા હોવાથી તે ગાયબ કરી દેવામાં આવી હોવાનું ખુદ એસીબીની કચેરીમાં ચર્ચાઈ રહ્યુ છે.

સૌથી વધુ લાંચીયા સરકારી બાબુઓ અમદાવાદ એકમમાંથી પકડાયા હતા.જયારે બીજા નંબરે સુરત એકમ અને ત્રીજા નંબરે રાજકોટ એકમનો થાય છે. અમદાવાદમાં ૪૪, સુરતમાં ૩૬ અને રાજકોટ એકમમાં ૨૪ લાંચીયા પકડાયા હતા. સૌથી વધુ લાંચના ગુના અમદાવાદ શહેરમાં ૨૬, સુરત શહેરમાં ૧૬ અને વલસાડમાં ૯ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.