ગુજરાતમાં કોરોનાના અડધોઅડધ કેસ છેલ્લા પાંચ દિવસમાં નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધુ 92 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 1021 થઇ ગયો છે. આમ, કોરોનાના કુલ કેસો આંક 1 હજારને પાર થયો હોય તેવા દેશના 6 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થઇ ગયો છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3202, દિલ્હીમાં 1640, તામિલનાડુમાં 1267, રાજસ્થાનમાં 1169, મધ્ય પ્રદેશમાં 1164 જ્યારે ગુજરાતમાં 1021 કેસનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં નોંધાયેલા 1021 કેસમાંથી અડધોઅડધ એટલે કે 511 તો માત્ર છેલ્લા પાંચ દિવસમાં નોંધાયા છે. જેમાં 13 એપ્રિલે 56, 14 એપ્રિલે 78, 15 એપ્રિલે 116, 16 એપ્રિલે 163 જ્યારે 17 એપ્રિલે સવાર સુધીમાં 98 કેસ નોંધાયા હતા.

આ ઉપરથી જ ગુજરાતમાં કોરોનાના કેસની સ્થિતિ દિવસેને દિવસે કેટલી ગંભીર થઇ રહી છે તેનો તાગ મેળવી શકાય છે. ગુજરાતમાં પ્રથમ 19 દિવસમાં 146 જ્યારે છેલ્લા 10 દિવસમાં 770 કેસ નોંધાયા છે.

હજુ 8 જિલ્લા એવા છે જ્યાં કોરોનાએ પગપેસારો કર્યો નથી અને તેમાં સુરેન્દ્રનગર-અમરેલી-જૂનાગઢ-દ્વારકા-ડાંગ-નવસારી-વલસાડ-તાપીનો સમાવેશ થાય છે. આમ, 25 જિલ્લામાં 1021 કેસ નોંધાયા છે અને તેમાંથી 74 વ્યક્તિ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.