– આરોગ્ય વિભાગનો દાવો,કોરોના કાબૂમાં આવી જશે
– ગુજરાતમાં કુલ 1939 કેસો, મૃત્યુઆંક 71, મૃત્યુદર ઘટીને 3.66 ટકા, 100 દર્દીઓ પૈકી એક દર્દી જ વેન્ટિલેટર પર
– આમ,ગુજરાતમાં હજુય કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ મહામારીને કાબૂમાં લેવા તનતોડ પ્રયાસોમાં લાગ્યુ
ગુજરાતમાં કોરોનાએ ધીરે ધીરે વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે.અમદાવાદ,સુરતમાં પરિસ્થિતી બેકાબુ બની રહી છે.રાજ્ય આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે, માત્રને માત્ર હોટસ્પોટ વિસ્તારમાંજ કેસો વધી રહ્યાં છે.અમદાવાદ દેશનુ ચોથુ હોટસ્પોટ શહેર બન્યુ છે ત્યારે આજે સતત ચોથા દિવસે પણ શહેરમાં ૧૫૨ કેસો નોંધાયા હતાં. જયારે સુરતમાં ૨૭ કેસો નોંધાયા હતાં. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં નવા ૨૦૧ કેસો નોધાયા હતાં.
રાજ્યમાં કુલ કેસોનો આંક વધીને હવે ૧૯૩૯ સુધી પહોંચ્યો છે.છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં કોરોના કારણે સાતથી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. આજે કોરોનાને કારણે વધુ ૮ લોકોએ જાન ગુમાવ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૭૧ લોકોના મોત નિપજ્યાં છે.
મોતના આંકડા જોતાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહયુ છે.જોકે, રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છેકે, કેસોના આંકડાને જોઇને ગભરાવવાની જરૂર નથી. આરોગ્ય વિભાગની રણનીતિને કારણે હોટસ્પોટ વિસ્તારમાં કેસો વધી રહ્યાં છે પણ આગામી દિવસોમાં કોરોના કાબૂમાં આવી જશે.
ગુજરાતમાં કોરોનાના કેર હજુય યથાવત રહ્યો છે.તેમાંય અમદાવાદમાં જ સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે.આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે, આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ૧૫૨ કેસો નોંધાયા છે તે બધાય કેસો મોટાભાગે હોટસ્પોટ વિસ્તારમાં જોવા મળ્યાં છે.
અમદાવાદમાં ગાયકવાડ હવેલી, રાયખડ, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, કાલુપુરમાં નોધાયા હતાં. અમદાવાદમાં નોધાયેલાં ૧૧૭૩ કેસો પૈકી ૯૧૨ કેસો તો માત્ર કોટ વિસ્તારમાં જ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ૩૪ લોકોના મોત થયા તૈ પૈકી પણ ૨૫ દર્દીઓ તો માત્ર કોટ વિસ્તારના રહીશો હતાં.આ પરથી સાબિત થાય છેકે,કોટ વિસ્તારમાં જ કેસોનુ સવિશેષ પ્રમાણ છે.
રવિવારથી સોમવારની સવાર સુધીમાં સુરતમાં ૨૭ કેસ, અરવલ્લીમાં ૬ કેસ,કચ્છમાં ૨કેસ,રાજકોટમાં ૨ કેસ,મહેસાણામાં ૧ કેસ,વડોદરામાં ૮ કેસ ,પંચમહાલમાં ૨ કેસ નોંધાયા હતાં. કોરોના કેર વચ્ચે સારા સમાચાર એ છેકે, દિવસ દરમિયાન,રાજ્યના ૩૦ જિલ્લામાં એકેય કેસ નોંધાયો ન હતો.માત્ર અમદાવાદ,સુરત અને વડોદરામાં જ કેસો નોંધાયા હતાં.રાજ્યમાં કુલ કેસોનો આંકડો હવે ૧૯૩૯ પર પહોંચ્યો છે.
અમદાવાદ તો જાણે કોરોનાનુ કેપિટલ બન્યુ છે કેમકે, હજુય હોટસ્પોટ વિસ્તારોમાં જ સતત કેસો વધી રહ્યાં છે.એવુ ય તારણ બહાર આવ્યુ છેકે, અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં જ કોરોનાના કુલ ૯૨.૪૧ ટકા કેસો નોંધાયા હતા જયારે ૨૭ જિલ્લાઓમાં માત્ર ૭.૫૯ ટકા કેસો નોંધાયા હતાં. આનો સીધો એ થાય છેકે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે.અમદાવાદમાં તો કેસોનો આંકડો ૧૨૪૮ થયો છે.
ગુજરાતમાં કોરોનાના મૃત્યુનો સિલસીલો જારી રહયો છે.સતત ત્રીજા દિવસે છથી વધુ લોકોના મોત થયાં છે.આજે પણ ગુજરાતમાં આઠ લોકોના મોત નિપજ્યા હતાં જેમાં અમદાવાદમાં છ દર્દીઓ અને સુરતમાં બે દર્દીઓ કોરોનાથી મોતને ભેટયાં હતાં. અમદાવાદમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાનુ મૃત્યુ થયુહતુ .અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩૮ લોકો કોરોનાના કારણે જાન ગુમાવી ચુકયાં છે.સુરતમાં એક મહિલા અને પુરુષનુ મોત થયુ હતું.
કોરોનાનુ ભયાવહ ચિત્ર ઉપસ્યુ છે ત્યારે રાહતના સમાચાર એછેકે,એક જ દિવસમાં ૨૫ જણાં કોરોના સામેનો જંગ જીતીને સ્વસ્થ થયા છે. આ બધા લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો છે.અત્યાર સુધીમાં કુલ ૧૩૧ લોકો સાજા થઇને ઘેર પહોચ્યાં છે.અત્યારે ગુજરાતમાં ૧૯ જણાં વેન્ટિલેટર પર જીવનમરણનો જંગ લડી રહ્યાં છે.દર ૧૦૦ દર્દીએ એક દર્દી જ વેન્ટિલેટર પર સારવાર મેળવે છે તેમ આરોગ્ય વિભાગનુ માનવું છે. :
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.