– પોઝિટિવ કેસ 2178 અને મૃત્યુ આંક 90 નોંધાતા એક જ દિવસમાં ગુજરાત બીજા નંબરે આવ્યું
– ગુજરાતમાં મૃત્યુદર વધે છે પણ રિકવરી રેટ વધતો નથી
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલામાં 239 કેસ સાથે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરેથી બીજા નંબરે આવી ગયુ છે તો મૃત્યુઆંક પણ વધતા 24 કલાકમાં 19 મૃત્યુ નોંધાતા મૃત્યુઆંકમાં પણ ગુજરાત ત્રીજાથી બીજા નંબરે આવી ગયુ છે.ગુજરાતમાં 4.13 મૃત્યુદર સાથે મૃત્યુદર વધી રહ્યો છે તો બીજ બાજુ રીકવરી રેટ વધતો નથી અને ગુજરાતની સ્થિતિ ખરાબ થઈ રહી છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લાં પાંચ દિવસથી કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે આજે અમદાવાદ અને સુરતમાં વધારે કેસ નોંધાતા કુલ 239 કેસો નોંધાયા છે અને આ સાથે ગુજરાત કુલ 2178 પોઝિટિવ કેસ સાથે સમગ્ર દેશમાં બીજા નંબરે છે.
હાલ મહારાષ્ટ્ર સૌથી વધુ પોઝિટિવ કેસ અને સૌથી વધુ મૃત્યુઆંક સાથે દેશમાં પ્રથમ નંબરે છે. ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ આરોગ્ય વિભાગે જાહેર કરેલા ગુજરાતના નવા પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક મુજબ ગુજરાત કોરોના પોઝિટિવ કેસમાં દિલ્હી બાદ ત્રીજા નંબરે હતુ અને મૃત્યુ આંકમાં મધ્યપ્રદેશ બાદ ત્રીજા નંબરે હતુ. પરંતુ આજે સાંજ સુધીમાં એટલે કે 24 કલાકમાં ગુજરાતમાં કુલ 239 કેસ નોંધાતા અને એક સાથે હાઈએસ્ટ 19 મૃત્યુ નોંધાતા ગુજરાત કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક બંનેમાં ત્રીજાથી બીજા નંબરે આવી ગયુ છે.
માત્ર 24 કલાકમા ગુજરાત દિલ્હીને પછાડી પોઝિટિવ કેસમાં બીજા નંબરે આવી ગયુ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ગઈકાલે 76 અને ગુજરાતમાં 71 મૃત્યુઆંક હોઈ આજે ગુજરાતમાં 19 મૃત્યુ થતા મૃત્યુનો કુલ આંકડો 90 સુધી પહોંચી ગયો છે. આમ તો છેલ્લા ચાર દિવસમાં ગુજરાતમાં કેસની સંખ્યા અને મૃત્યુની સંખ્યા ખૂબ જ ગંભીર રીતે વધી રહી છે પરંતુ ગુજરાતમાં સ્થિતિ બગડવાનું 10 એપ્રિલથી શરૂ થઈ ગયુ હતુ ,10 એપ્રિલે એક સાથે 116 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ 12 એપ્રિલે ગુજરાતમાં પોઝિટિવ કેસો 500થી વધી ગયા.
ગત 11 એપ્રિલે એટલે કે દસ દિવસ પહેલા ગુજરાતમાં 468 કેસ હતા અને મૃત્યુઆંક 22 હતો.જ્યારે છેલ્લા દસ દિવસમાં સ્થિતિ વધુ ખરાબ તથા દસ જ દિવસમાં 1710 કેસ વધ્યા અને મૃત્યુ 68 વધ્યા .ગુજરાતમાં હાલ કુલ 90 મૃત્યુ સાથે મૃત્યુદર વધીને 4.13 થઈ ગયો છે.મહત્વનું છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમા એક સાથે આજે 19-19 મૃત્યુ નોંધાયા છે.
ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યા અન્ય રાજયથી ઘણી ઓછી
ગુજરાતમાં જ્યાં મૃત્યુદર અન્ય રાજયો કરતા વધુ છે ત્યાં બીજી બાજુ સાજા થનારા દર્દીની સંખ્યા અન્ય રાજ્યથી ઘણી ઓછી છે.દિલ્હીમાં 2156 નોંધાયેલા દર્દી સામે 611 દર્દી સાજા થયા છે અને એક જ દિવસમાં 180 દર્દી સાજા થયા છે.આમ રીકવરી રેટ 28 ટકાથી વધુ છે તો ગુજરાતમાં 2178 નોધાયેલા કેસ સામે માત્ર 139 લોકો જ અત્યાર સુધી સાજા થયા છે અને રીકવરી રેટ માત્ર 6.38 ટકા જ છે.
એક હજારથી વધુ કેસ ધરાવતા રાજ્યમાં રીકવરી રેટ જોઈએ તો જ્યાં સૌથી વધુ કેસ છે તેવા મહારાષ્ટ્રમા 5218 કેસ સામે 722 લોકો સાજા થયા છે અને રાજસ્થાનમાં 1659 દર્દી સામે 230,તમિલનાડુમાં 1696 દર્દી સામે 635 ,મધ્યપ્રદેશણાં 1552 સામે 148 અને ઉત્તરપ્રદેશમાં 1337 દર્દી સામે 140 લોકો સાજા થયા છે.આમ ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી ખરાબ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.