”ગુજરાતમાં નશાબંધીનો કાયદો સુધાર્યા પછી દારૂબંધીનો કડકાઈપૂર્વક અમલ થાય છે, કાયદાનો ભંગ કરનાર ગમે તેવા ચમરબંધીને સરકાર છોડતી નથી”- ભાજપ સરકારનો આ દાવો કડડભૂસ થયો છે. વિધાનસભામાં ભાજપ સરકારે વિતેલા બે વર્ષમાં ગુજરાતમાંથી જ રૂપિયા ૨૫૨ કરોડ ૩૨ લાખ ૫૨ હજાર ૭૧૪નો દેશી-વિદેશી દારૂ મળ્યાનું સ્વીકાર્યું છે !
કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ઉઠાવેલા સવાલના જવાબમાં સરકારની આ સત્તાવાર કબૂલાત ઉપરાંત જે પોલીસે નથી પકડયો એવો ખર્વો રૂપિયાનો દારૂ નાગરિકોના પેટમાં ઊતર્યો છે. જે સ્વયં સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં રાજકીય છત્રછાયામાં ભળેલી પોલીસની રહેમનજર હેઠળ દારૂની રેલમછેલ ચાલી રહી છે.
માત્ર દેશી-વિદેશી શરાબ જ નહી, આકરી સજાઓની જોગવાઈ ધરાવતો નવો કાયદો અમલમાં ગુજરાતના યુવાનોમાં ગાંજા, અફીણ અને ચરસ જેવા કેફીદ્રવ્યોનું પણ ચલણ વધ્યં છે. બે વર્ષમાં રૂપિયા ૧૬ કરોડ ૨૪ લાખ ૮૮ હજાર ૭૩૦ના આ પ્રકારના નશીલા દ્રવ્યો પણ પકડયાનું સરકારે જાહેર કરવં પડયું છે.
પોલીસે ૫% જ પકડયો,બાકીનો રૂ.૫,૦૪૦ કરોડનો દારૂ પિવાયો ?
બહારથી આવતા અને ગુજરાતમાં ઉત્પાદન થતા દેશી-વિલાયતી શરાબમાંથી પોલીસ માત્ર પાંચ ટકા જ દારૂ પકડતી હોવાનું કહેવાય છે. પોલીસ તંત્રની આ ધારણા સાચી હોય તો સરકારે જાહેર કરેલા રૂ.૨૫૨ કરોડના જથ્થા સિવાય બાકીના ૯૫ ટકા લેખે રૂ.૫૦૪૦ કરોડથી વધુ દારૂ નશાખોરોના પેટમાં સમાઈ ગયો હશે તેમ કહી શકાય. ગુજરાતના ગામો, શહેરો અને હવે તો હાઈવે, જંગલ વચ્ચે આવેલા, દરિયાને કાંઠે ડેવલપ થયેલા પ્રવાસન સ્થળો ઉપર પણ કઈ હદે, કોના કોના દ્વારા આ વેપલા બેરોકટોક ધમધમે છે એ કંઈ છાનું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.