દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતમાં હાજરી આપનારા વ્યક્તિઓના કારણે કોરોનાનો ચેપ દેશભરમાં ફેલાય તેવી ભીતિ છે. જેથી ગુજરાત હાઇકોર્ટે આ અંગે હાથ ધરેલી સુઓમોટો સુનાવમીમાં કેન્દ્ર સરકારે આજે રજૂઆત કરી હતી કે અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે પહેલી માર્ચથી ૨૩મી માર્ચ સુધી દિલ્હીના મરકઝમાં ગુજરાતથી ગયેલા ૮૪ વ્યક્તિઓ શોધાયા છે. જે પૈકી એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે અને બાકીના ૮૩ને હાલ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રી સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂઆત કરી હતી કે કેન્દ્ર સરકારા દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના કારણે અત્યાર સુધીમાં બહાર આવ્યું છે કે દિલ્હીના મરકઝમાં ગુજરાતથી ૧૩૫૦ લોકો ગયા હતા. આ પૈકી ૧૨૮૨ વ્યક્તિઓ હાલ ટ્રેસ થયા છે અને બાકીના ૬૮ને ટ્રેસ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે.
આ ઉપરાંત ટ્રેસ થયેલા વ્યક્તિઓમાંથી ૮૪ વ્યક્તિને શોધવામાં આવ્યા છે. જેમાંથી એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બાકીના ૮૩માં કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી પરંતુ સાવચેતીના ભાગરૃપે આ તમામ ૮૩ને ક્વોરનટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તબલિધી તહલિગી જમતામાં તે સમયે ૯૬૦ વ્યક્તિઓ વિદેશથી આવ્યા હતા. જો કે તેમાંથી કોઇપણ ગુજરાતમાં પ્રવેશ્યા હોવાની માહિતી મળી નથી. આ તમામ વિદેશી વ્યક્તિઓ પ્રવાસી
વિઝાના આધારે આવ્યા હતા. તેઓ ધાર્મિક કાર્ય માટે આવ્યા હતા અને તેના માટે મિશનરી વિઝાની જરૃર પડે છે. વિઝા મેન્યુઅલ અને નિયમોનો ભંગ કરવા બદલ આ તમામ વિદેશી યાત્રીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે કોરોનાના ચેપને અટકાવવા રાજ્યના તમામ ધાર્મિક સ્થળો તાત્કાલિકપણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં અંબાજી મંદિર, સોમનાથ, અમદાવાદનું સરખેજ રોઝા, ભરૃચની મસ્કતી મસ્જીદ અને અમદાવાદના સી.એન.આઇ. ચર્ચનો સમાવેશ થાય છે. અહીં દૈનિક પૂજાવિધિ માટે માત્ર પૂજારી, મૌલવી કે ફાધર જાય છે અને અન્ય કોઇને પ્રવેશ અપાતો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.