ગુજરાતમાં લોકડાઉન 31માચઁ સુઘી લંબાવાયુ,બહાર નિકળ્યા તો વાહનજપ્તી તેમજ કેસ કરવાના અપાયો આદેશ

ગુજરાતમાં કોરોનાના ઝડપથી વધતા કેસો તેમજ લોકલ ટ્રાન્સમિશન વધતાં ગુજરાત સરકારે લોકડાઉનને 31મી માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્યના મુખ્ય શહેરો ઉપરાંત અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં કહ્યું હતું કે ગુજરાતમાં હાલ કોરોનાનો વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. આ ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્શમિશન થઇ રહ્યું છે તેથી રાજ્યની જનતાને અપીલ કરૂં છું કે અરજન્ટ કામ સિવાય બહાર ન નિકળે. નિયત કરેલા શહેરોમાં 31મી માર્ચ સુધી લોકડાઉન રહેશે.

ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઉપરાંત ગાંધીનગર અને કચ્છમાં અત્યારે લોકડાઉન છે ત્યાં 31મી માર્ચ સુધી યથાવત રહેશે. રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂપાણીએ કહ્યું હતું કે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોરોનાનો વાયરસ 31મી માર્ચ સુધી વકરી શકે તેમ છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની પોલીસને સૂચના આપી છે કે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.

લોકડાઉનમાં દૂધ, શાકભાજી, ફળફળાદી વેચતી દુકાનો, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ, મેડિકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, બેન્ક, એટીએમ, બેન્કના ક્લિયરીંગ હાઉસ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વીજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇટી સંબંધિત સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના ખાડીયામાં ભેગી થયેલી ભીડની ઘટનામાં કુલ 40 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં કારણ વિના ઘરની બહાર નિકળેલા લોકો સામે કેસ કરાશે અને તેમનું વાહન જપ્ત કરી લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.