ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકામાં મોટું કૌભાંડ : સિક્યુરિટી ગાર્ડની ડબલ ડ્યુટી, ઓનપેપર ત્રણ શિફ્ટ બતાવાતી

SMC Security Agency Scam : સુરતમાં સિક્યોરિટી ગાર્ડ ડબલ નોકરી કરતાં હોવાનું સામે આવ્યું…. કોર્પોરેશનમાં 142 સિક્યોરિટી ગાર્ડ બીજે નોકરી કરતાં હોવાનું ખૂલ્યું…. મનપાએ સિક્યોરિટી કોન્ટ્રાક્ટરને 5.78 લાખની ફટકારી પેનલ્ટી..

Surat News : સુરત મહાનગરપાલિકાની દસ જેટલી સિક્યુરિટી એજન્સીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક જ સિક્યોરિટી ગાર્ડ પાસેથી ડબલ કામ લઈ પાલિકાને આર્થિક નુકશાન પહોંચાડવામાં આવતું હતું. એજન્સીના સિક્યોરિટી ગાર્ડ પાલિકાની કચેરી સહિતના સ્થળો પર તો ફરજ બજાવતા જ હતા, પરંતુ તેની સાથે અન્ય સ્થળો પર પણ ફરજ બજાવતા હોવાનું પાલિકાની તપાસમાં સામે આવ્યું છે. કૌભાંડ ખૂલતા જ કસૂરવાર દસ જેટલી સિક્યોરિટી એજન્સીને નોટિસ પાઠવી 5 લાખથી વધુના દંડની વસુલાત કરવામાં આવી છે. પાલિકાની તપાસમાં આવતા 142 સિક્યોરિટી ગાર્ડ અન્યત્ર સ્થળે ફરજ બજાવતા હોવાનું બહાર આવતા કસૂરવાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની ચીમકી મેયરે આપી છે.

સિક્યોરિટી ગાર્ડનું શોષણ, ઓછું વેતન આપી વધારે કામ લેવાતું

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ગાર્ડન સહિત બીઆરટીએસ રૂટ પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લા અઢી મહિનાથી પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમ્યાન આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં 10 જેટલી સિક્યુરિટી એજન્સીના સુરક્ષા કર્મીઓ પાલિકામાં ડબલ શિફ્ટમાં ફરજ બજાવતા હોવાની સાથે અન્યત્ર સ્થળે પણ ફરજ બજાવતા આવા 142 સુરક્ષા કર્મીઓ પાલિકાની તપાસમાં મળી આવ્યા છે. જેના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા આવી 10 જેટલી સિક્યુરિટી એજન્સીને નોટિસ પાઠવી 5.78 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ એજન્સીઓ દ્વારા સુરક્ષા કર્મીઓ પાસે ડબલ શિફ્ટમાં કામ લેવામાં આવતું હતું. જ્યાં ઓન પેપર ત્રણ શિફ્ટ બતાવવામાં આવતી હતી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ મળી આવી હતી. જેમાં એક જ સિક્યોરિટી ગાર્ડ પાસે વધારાનું કામ લઈ વેતન ઓછું આપવામાં આવતું હતું. જે સુરક્ષા કર્મીઓ અન્ય સ્થળે પણ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. પાલિકાની તપાસમાં બહાર આવતા પાલીકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

એજન્સીઓને નોટિસ ફટકારાઈ
જેમાં સેન્ટ્રલ ઝોનમાં શિવ એજન્સી દ્વારા 11 જેટલા સિક્યુરિટી ગાર્ડ પાસે ડબલ કામ લેવામાં આવતું હતું. જે બદલ 56,199 રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. તેવી જ રીતે ઉધના ઝોન વિસ્તારમાં આવેલી બિગ એજન્સીના 14, લિંબાયત ની એસ્કોર્ટના 15, વરાછા એ-ઝોનની શક્તિ એજન્સીના 18, વરાછા બી ઝોનની શક્તિ એજન્સીના 17, રાંદેર ઝોનની આર. એસના 13, અઠવા ઝોનની સૈનિકના 15, કતારગામ ઝોનની ગણેશના 12, જ્યારે બીઆરટીએસ એ-માં બાલાજી એજન્સીના 12 અને બીઆરટીએસ બી-માં એમ.કે.એજન્સીના 12 સુરક્ષા કર્મીઓ ડબલ ડ્યુટી કરતા મળી આવ્યા છે. આમ તમામ એજન્સી પાસેથી 5,78,859 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.

કૌભાંડથી પાલિકાને મોટું નુકસાન
સુરત મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી એજન્સીના મળી આવેલ કૌભાંડ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સિક્યુરિટી એજન્સીમાં 58 વર્ષની વયે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા તમામ ગાર્ડની યાદી જાહેર કરવા ફરમાન જારી કરાયું છે. જે યાદી આવ્યા બાદ 58 વર્ષની વયના તમામ સિક્યુરિટી ગાર્ડને કામેથી છુટા કરવા અંગેનો નિર્ણય પણ લેવામાં આવશે. સુરત મહાનગર પાલિકાને સમગ્ર કૌભાંડમાં આર્થિક નુકસાન થતું હોવાથી કસૂરવાર અધિકારીઓ સામે પણ આગામી દિવસોમાં પગલાં ભરવા અંગેની તૈયારી સુરત મેયર દક્ષેશ માવાણીએ દર્શાવી છે..ત્યારે આગામી દિવસોમાં આ તમામ એજન્સીઓ સામે હજી કયા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવે છે તે પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.