ગુજરાતમાં ફરીથી નબળી પડેલી કોંગ્રેસને ભાજપના નેતાઓની નજર લાગી છે. કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા 12 ધારાસભ્યો ખેરવવાની ભાજપની યોજના છે જેને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પાર્ટીના એક સદસ્યએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની તાકાત હોય તો તેમના ધારાસભ્યોને ભાજપમાં જતાં બચાવી લે, અન્યથા તેઓ કેસરિયો ધારણ કરવા જઇ રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકારના પગલાંને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યાં છે તે જોતાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યોની નજર ભાજપ તરફ સરકી છે. વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 26મી માર્ચે રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે તે પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવે તો નવાઇ પામવા જેવું નથી.
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી સંભાવના એટલા માટે પ્રબળ બની છે કે અબડાસા કોંગ્રેસના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ તાજેતરમાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. બીજી તરફ સચિવાલયમાં કોંગ્રેસમાંથી આવેલા ત્રણ મંત્રીઓને પાર્ટીએ જવાબદારી આપી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા. જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતને ભાજપના હાઇકમાન્ડે જવાબદારી સોપી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાય તેવી સંભાવના છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ તેના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાજ્યોના સંગઠનમાં ફેરફાર કરી શકતું નથી તેથી અકળાયેલા કોંગ્રેસના આઠ થી દસ ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જાય તેવી અટકળો સચિવાલયમાં વહેતી થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.