ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં 85% સુધીનો ધરખમ ઘટાડો નોંધાયો

– લોક ડાઉન બાદ પેટ્રોલપંપમાં હવે અડધાથી પણ ઓછા સ્ટાફથી કામ ચલાવાય છે

– એપ્રિલના પ્રથમ 15 દિવસ દરમિયાન ગુજરાતમાંથી 1.7 કરોડ લીટર પેટ્રોલ જ્યારે 4.1 કરોડ લીટર ડીઝલનું વેચાણ થયું

કોરોના વાયરસના કેરને પગલે જારી કરવામાં આવેલા લોક ડાઉનને ૨૬ દિવસ પૂરા થવા આવ્યા છે. લોક ડાઉનને લીધે સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની ખપતમાં પણ ૮૫ ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે ગુજરાતમાં પ્રતિ માસ દરમિયાન સરેરાશ ૨૩ કરોડ લીટર પેટ્રોલ અને ૫૫ કરોડ લીટર ડીઝલનું વેચાણ થતું હોય છે. જેની સરખામણીમાં એપ્રિલના પ્રથમ ૧૫ દિવસમાં ૧.૭ કરોડ લીટર પેટ્રોલ-૪.૧ કરોડ કરોડ લીટર ડીઝલનું વેચાણ નોંધાયું છે.

આમ, સામાન્ય દિવસોની સરખામણીએ ગુજરાતમાં લોક ડાઉન વખતે પેટ્રોલ-ડીઝલની ખપત ૮૫ % સુધી ઘટી ગઇ છે. આ જ રીતે માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલની ખપત ૩૩% ઓછી નોંધાઇ હતી. સમગ્ર માર્ચ માસ દરમિયાન ગુજરાતમાં ૧૬ કરોડ લીટર પેટ્રોલ- ૪૦ કરોડ લીટર ડીઝલનું વેચાણ થયું હતું. આમ, સામાન્ય મહિનાઓની સરખામણીએ માર્ચમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ૩૩ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. દેશભરમાં ૨૫ માર્ચથી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું અને ત્યારથી જ સ્વાભાવિકપણે પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ઘટાડો થવાનું શરૃ થઇ ગયું છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના મતે ભારતમાં જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો ત્યારથી જ માર્ચમાં ૧૦-૧૧ દિવસ પેટ્રોલ-ડીઝલનું વેચાણ સાવ ઠપ જ થઇ ગયું હતું. સામાન્ય મહિનાઓની સરખામણીએ માર્ચમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ૩૩ ટકા સુધીનો ઘટાડો થયો હતો. એપ્રિલ માસ પણ લોક ડાઉન હેઠળ જ રહેશે અને જેના કારણે આ મહિનામાં પેટ્રોલ-ડીઝલનું ૮૫ ટકા ઓછું વેચાણ જ રહે તેવો અંદાજ છે.

હાલની સ્થિતિમાં ગુજરાતના રોડ પર વાહનો નહિવત્ જોવા મળે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ ઠપ છે. પેટ્રોલ પંપના માલિકોનું માનવું છે કે મોટાભાગના પેટ્રોલ પંપમાં લોક ડાઉનને લીધે ૯૦ ટકા જેટલું પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઘટી ગયું છે. જેની સામે સ્ટાફને ચૂકવવાનો પગાર, વીજળી બિલ જેવા ખર્ચા અકબંધ છે. હાલમાં કામ જ ઓછું હોવાથી અમે સામાન્ય દિવસોની સરખામણીએ ૫૦ ટકા સ્ટાફ સાથે જ કામ કરી રહ્યા છીએ. કોરોના વકરતા અમારા અનેક કર્મચારીઓ હવે તેમના વતન પહોંચી ગયા છે. હાલમાં અમારા અન્ય જે કર્મચારીઓ કાર્યરત્ છે તેઓ પણ જીવના જોખમે કામ કરી રહ્યા હોવાથી અમે તેમને મહેનતાણું પણ વધારે આપીએ છીએ. પરંતુ આ સ્થિતિ હજુ થોડો સમય યથાવત્ રહી તો અમારા પેટ્રોલ પંપના વ્યવસાય સામે મોટો પ્રશ્નાર્થ સર્જાઇ જશે. હાલના સમયમાં તોતિંગ ખોટ થઇ રહી હોવા છતાં કોઇ પેટ્રોલ પંપે તાળા માર્યા નથી. જોકે, ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ પેટ્રોલ ડીલર્સ એસોસેસિયેશને આ નબળી સ્થિતિમાં આર્થિક સહાય માટે ઓઇલ કંપનીઓ સમક્ષ ટહેલ કરેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.