લોકડાઉનના કારણે તમામ ધંધા-રોજગાર બંધ હોવાથી લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. સ્કૂલ સંચાલકો બાદ હવે વાલીઓ પાસે સ્કૂલવાન અને ઓટો રિક્ષા ચાલકો પણ માર્ચ, એપ્રિલ અને મે મહિનાના ભાડાની ઉઘરાણી કરી રહ્યાં છે. ત્રણ મહિના સ્કૂલ બંધ રહી છે અને લોકડાઉનની અસર વાલીઓને પણ થઈ છે. છતાં સ્કૂલ ફી તેમજ સ્કૂલવાનનું ભાડું ત્રણ મહિના માટે માફ કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા ભેદી મૌન ધારણ કરવામાં આવ્યું છે. જેના કારણે હાલમાં વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. એટલુ જ નહી વાલીઓ અને સંચાલકો વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ હવે સ્કૂલવાન અને ઓટો રીક્ષાચાલકો વચ્ચે પણ શરૂ થવા જઈ રહ્યો છે.
આ અંગે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે, સ્કૂલ વાન અને ઓટોરિક્ષા ચાલકો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં હોય છે. જેમનું ગુજરાન ઓટોરિક્ષા અને વાન પર ચાલતુ હોય છે. જેથી અમે વાલીઓ પર કોઈ દબાણ કર્યુ નથી. વાલીઓ તેમની અનુકુળતા પ્રમાણે ભાડું ચૂકવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વાલીઓને અનુકુળતા પ્રમાણે ફી ભરવાનુ જણાવે છે. ત્યારે સવાલ ઊઠે છે કે, હાલમાં સ્કૂલો જ બંધ છે તો કયા હેતુથી વાલીઓને ફી ભરવાનું સરકાર કહે છે ? સ્કૂલ સંચાલકો શિક્ષણ સેવાની મોટી મોટી વાતો કરે છે તો આવી પરિસ્થિતિમાં ત્રણ મહિનાની ફી માફી વાલીઓને ના આપી શકે ? અમદાવાદ શહેરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલે પણ વાલીઓને ડિસ્કાઉન્ટની લાલચ આપીને ફી ઉઘરાવવાનું શરૂ કર્યું હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.