ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં ઘણીવખત પ્રિન્ટિંગમાં ભૂલો થતી હોય છે. પરંતુ આ વખતે એક ગંભીર છબરડો સામે આવ્યો છે. ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતની પ્રખ્યાત યુવા દોડવીર કે જેણે સમગ્ર દેશ અને દુનિયા માં ગુજરાતનું નામ રોશન કર્યું છે તે સરિતા ગાયકવાડના નામ અને ફોટા ને લઈને ગંભીર ભૂલ કરવામાં આવી છે.
પુસ્તકમાં ડાંગ એક્સપ્રેસના નામે ઓળખાતી સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડ નામ અને અન્યનો ફોટો છાપવામાં આવ્યો છે. જો કે આ અંગે સરિતા ગાયકવાડે પણ છાપકામમાં ભૂલ હશે અને તેઓ સુધારી લેશે તેવું જણાવ્યું હતું.
ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડએ 2018ની જકાર્તા ખાતે યોજાયેલ 400મી. દોડ અને 400મી. હરડલ્સ દોડ એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. પરંતુ દેશને ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડને જ સરકાર ભૂલી ગઈ અને તેની જગ્યા એ વનિતા ગાયકવાડ અને અલગ ફોટો પુસ્તકમાં છપાયો છે.
સરિતા ગાયકવાડના ફેસબુક પેજ પર પણ નિંદા સાથે એમના મિત્રોએ આ પોસ્ટ મૂકી છે જેમાં તેના મિત્રો દ્વારા પણ ટિપ્પણી કરવામાં આવી છે. આ અંગે સરિતા ગાયકવાડ સાથે વાત કરતા તેણી એ જણાવ્યું હતું કે નામમાં ભૂલ હોઈ શકે પંરતુ ફોટોમાં ભૂલ કઈ રીતે થઈ શકે, અને જો આજ છપાયું હોય તો આપણે બાળકોને પણ ખોટી માહિતી આપી રહ્યા છે. જોકે આ અંગે મારી વાત થઈ છે અને તેમને જણાવ્યું હતું કે આ પ્રિન્ટિંગમાં ભૂલ થઈ છે અમે સુધારી દઈશું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના છબરડા સામે આવી ચુક્યાં છે. ગત વર્ષે ધોરણ-12ના ફિઝિક્સના પુસ્તકમાંથી એક આખું જ પ્રકરણ જ ગાયબ કરી દીધું હતું. પુસ્તકમાંથી એક આખું 15 નંબરનુ કમ્યુનિકેશન સિસ્ટમ નામનુ પ્રકરણ જ ગાયબ કરી દેવાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.