– 70થી વધુ યુનિ.ઓના કુલપતિઓ-ડાયરેક્ટરો સાથે શિક્ષણ મંત્રીએ કરી વીડિયો કોન્ફરન્સ
ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ ડાયરેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. ત્યારબાદ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ચાલુ વર્ષે વાર્ષિક પરીક્ષાઓ- સેમેસ્ટર ફાઇનલ એક્ઝામ લેવામાં આવશે.
યુજીસી દ્વારા થોડા દિવસમાં પરીક્ષાઓ અને એકેડેમિક કેલેન્ડર ને લઈને જાહેર કરવામાં આવનારી ગાઇડલાઈન મુજબ પરીક્ષાઓ લેવાશે અને તમામ યુનિવર્સિટીઓએ આ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
આ કોન્ફરન્સમાં ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, ગુજરાત વિદ્યાપીઠ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અમદાવાદ યુનિવર્સિટી સહિતની 78 જેટલી સ્ટેટ ગવર્નમેન્ટ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કુલપતિ, ઉપ કુલપતિ તેમજ રજીસ્ટાર સહિતના પ્રતિનિધિઓ ઝૂમ એપ્લિકેશનથી જોડાયા હતા. શિક્ષણ મંત્રીએ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ પ્રતિનિધિઓને કોરોનાની આ વૈશ્વિક મહામારી સામે શૈક્ષણિક સંસ્થાઓએ કઈ રીતે એક થઈને લડવું જોઈએ તે અંગે જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ સરકારી યુનિવર્સિટીઓ તેમજ ખાનગી યુનિવર્સિટીઓને તથા રાષ્ટ્રીય દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને પણ એક પ્લેટફોર્મ પર આવીને કામ કરવા માટે અપીલ કરી હતી.
શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીના કુલપતિ તેમજ વડાઓ પાસેથી સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં ભવિષ્યમાં આવનારી કોઈ પણ મુસીબત કે મહામારી માટે કઈ રીતે મજબૂત નેટવર્ક તૈયાર કરવું અને અને કોરોના મહામારી પછી શૈક્ષણિક સંસ્થાઓએ તેમની પરંપરાઓ અને પદ્ધતિઓમાં ક્યા ક્યા ફેરફાર કરવા જરૂરી છે તે સહિતની બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને શિક્ષણમંત્રીએ યુનિવર્સિટીઓને રિસર્ચ પર વધુ ધ્યાન આપવા તેમજ નવા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપ કે જે દ્વારા આ વૈશ્વિક મહામારી સામે લડી શકાય તેમજ સમગ્ર માનવજાતને ઉપયોગી થઇ શકાય તેવા આઈડિયાસ અને પ્રોજેક્ટ પર કામ કરવા પણ આહવન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.