ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા MP મહેશ કનોડીયાનુ દુ:ખદ અવસાન

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ 83 વર્ષીય મહેશ કુમાર કનોડિયાનું આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન થયુ છે.

તેઓએ મહેશ-નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ વિદેશમાં આપ્યા હતા. તેઓ પોતાની “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા હતા. તેઓ કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક હતા. સ્ત્રી તથા પુરૂષના અવાજમા ગીતો ગાવા માટે પણ તેઓ પ્રખ્યાત હતા, એમ મહેશ કનોડિયા જુદાજુદા ગાયકોના 32 પ્રકારના અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર હતા.

ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયા પણ કોરોના પોઝિટિવ આવતાં યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

મહેશ કનોડિયાનું જન્મ સ્થળ મહેસાણાનું કનોડા ગામ 

મહેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. મહેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. મહેશ કનોડિયાને ત્રણ ભાઈઓ(નરેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન) છે. ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં.

મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી. આ બેલડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને આફ્રિકા અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.

પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી.

મહેશ કનોડિયાને પ્રાપ્ત થયેલા એવોર્ડ  

(1) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (1970-71) (સંગીતકાર તરીકે)

(2) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)

(3) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)

(4) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)

(5) શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (1981/82)

(6) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.