રાજ્યની વિવિધ કોર્ટોમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલોને કોર્ટ સંકુલમાં યોગ્ય સુવિધાઓ ન મળતી હોવાની રજૂઆત કરતી પિટિશનમાં હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે કોર્ટ સંકુલોની સુવિધાઓમાં રહેલી ખામીઓ ત્રણ મહિનાની સમયમર્યાદામાં દૂર કરવામાં આવે. અરજદારોની રજૂઆત હતી કે ગુજરાતના 70 ટકા કોર્ટોમાં સરકારી વકીલો મ ાટે બેસવાની પણ યોગ્ય સુવિધાઓ નથી.
રાજ્યની વિવિધ કોર્ટોમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવતા સરકારી વકીલોના એસોસિએશનની હાઇકોર્ટમાં રજૂઆત છે કે તેમની નિમણૂક રાજ્ય સરકાર અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ગ-2ના અધિકારી તરીકે કરવામાં આવી છે.
તેમની રજૂઆત છે કે રાજ્યની આશરે 70 ટકા કોર્ટોમાં સરકારી વકીલો માટે માળખાકીય સુવિધાઓનો અભાવ છે. બેસવાની જગ્યા, પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવાની જગ્યા, સાક્ષીઓ સાથે વાતચીત કરવાની જગ્યા તેમજ ફાઇલો અને દસ્તાવેજો રાખવા માટે પૂરતી જગ્યા આપવામાં આવતી નથી. વિવિધ કોર્ટોની પરિસ્થિતિ અંગેના ફોટોગ્રાફ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સામા પક્ષે હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તમામ કોર્ટ સંકુલોમાં વકીલોને પૂરતી સુવિધાઓ આપવામાં આવે છે અને કોર્ટ સંકુલ બહાર પણ વકીલોને જગ્યા આપવાના પ્રયત્નો થઇ રહ્યા છે તેથી અરજદારોએ કોઇ આધાર વગર આ સમસ્યાઓ વર્ણવી રહ્યા છે.
બન્ને પક્ષોની રજૂઆત સાંભળી હાઇકોર્ટ નોંધ્યુ છે કે અરજદાર વકીલોએ કોઇ આધાર વગર આ રજૂઆતો કરી હોય તેવું લાગી રહ્યું નથી, કારણ કે તેમના કોર્ટ સંકુલની પરિસ્થિતિ અંગેના ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તે જોઇને લાગી રહ્યું છે કે વર્ગ-2 અધિકારી તરીકે ફરજ બજાવતા સરકારી વકીલો ચિંતાજનક પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. રજીસ્ટ્રાર જનરલને આદેશ આપવામાં આવ્યો છે કે કોર્ટ સંકુલોમાં વકીલોને મળતી સુવિધાઓની યાદી તૈયાર કરી જે-તે કોર્ટના રજીસ્ટ્રારને મોકલવામાં આવે.
કોર્ટોનો રજીસ્ટ્રાર પબ્લિક પ્રોસિક્યુટર એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મળી ચર્ચા કરે કે કોર્ટ સંકુલની સુવિધાઓમાં કઇ-કઇ ખામીઓ છે અને આ ખામીઓ ત્રણ મહિનામાં દૂર કરવામાં આવે. જો કોઇ ખામી દૂર ન થઇ શકે તેમ હોય તો હાઇકોર્ટને જાણ કરવામાં આવે. કેસની વધુ સુનાવણી ત્રીજી એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.