બારડોલી : બારડોલીની ગ્રીન એપલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચેતન ચૌધરી વિરુદ્ધ તેમની પત્ની અને હોસ્પિટલના CEO રિચા ચૌધરીએ શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે. સસાયરિયા વારંવાર પિતાના ઘરે જતી રહેવા અને દહેજની માંગણી કરતાં હોવા ઉપરાંત પતિનો અન્ય યુવતી સાથે આડો સંબંધ હોવાનો આરોપ પણ મહિલા પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં લગાવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર હાલ બારડોલીના ધામડોદ લુંભા ખાતે આવેલી શિરડી ધામ સોસાયટીમાં રહેતી રિચા ભરતભાઈ ચૌધરી (ઉ.વર્ષ 33)ના લગ્ન માંડવી તાલુકાનાં કોસાડી ગામના વતની ડૉ. ચેતન નરસિંહભાઈ ચૌધરી સાથે વર્ષ 2012માં થયા હતા. પતિની નોકરી નવસારીમાં હોય લગ્ન બાદ તે નવસારી રહેવા ગઈ હતી. ત્યાંથી દાહોદના ગરબાદ અને ત્યારબાદ બગસરામાં બદલી થતાં પતિ સાથે રહેતી આવી હતી. દરમ્યાન ડૉ. ચેતન ચૌધરી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં નોકરી પર લાગતાં રિચા તેના પતિ અને સાસુ સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેવા લાગી હતી. લગ્ન જીવન દરમ્યાન તેને સાત વર્ષની એક પુત્રી છે. સરદાર સ્મારક હોસ્પિટલમાં બે વર્ષ નોકરી કર્યા બાદ પોતાની ખાનગી હોસ્પિટલ ચાલુ કરી હતી. જેમાં ડૉ. ચેતન ચૌધરી ડિરેક્ટર અને તેની પત્ની CEO તરીકે ફરજ બજાવે છે. હોસ્પિટલ માટે પૈસાની જરૂર હોય ડૉ. ચેતન પત્ની રિચાને તેના ઘરેથી રૂપિયા લઈ આવવા દબાણ કરતો હતો આથી તેણીના પિતાએ 12 લાખ રૂપિયા ચેકથી આપ્યા હતા. આ ઉપરાંત ચેતને વધુ રૂપિયાની જરૂર પડતાં રિચાના પિતાના સુરત ખાતેના મકાન પર એક કરોડ રૂપિયાની લોન લીધી હતી.
છેલ્લા બે અઢી વર્ષથી ડૉ. ચેતન ચૌધરીને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધની જાણ રિચાને થતાં બંને વચ્ચે વારંવાર બોલાચાલી ઝઘડા થતાં હતા. અનેક વખત સમજાવવા છતાં પતિએ કોઈ વાત માની ન હતી અને રિચા સાથે મારઝૂડ કરતો હતો. સાસરિયાને ફરિયાદ કરતાં તેણે પણ “તને મારા દીકરા સાથે ફાવતું ન હોય તો તારા માતપિતાને ઘર જતી રહે” એમ કહી તેની સાથે રસોઈ બાબતે પણ મેણાંટોણાં મારતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વારંવાર ઝઘડા કરી ડૉ. ચેતન તેના ગામ કોસાડી રહેવા જતો રહ્યો હતો. અને રિચા તેના પુત્રી સાથે બારડોલી એકલી રહેતી આવી છે. સમાજની રાહે અનેક વખત સમાધાન છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. એટલું જ નહિ ડૉ. ચેતને દીકરીને ઉપાડી જવાની ધમકી પણ આપી હતી અને ઘર ખાલી કરવા તેમજ છૂટાછેડા આપવા માટે સાસરિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોય અંતે રિચાએ સુરત જિલ્લા મહિલા પોલીસની સહાય લેવી પડી હતી. પોલીસે રિચાની ફરિયાદના આધારે પતિ ડૉ. ચેતન નરસિંહ ચૌધરી, સાસુ લીલા નરસિંહ ચૌધરી, દિયર યોગેશ નરસિંહ ચૌધરી, અલ્પેશ નરસિંહ ચૌધરી અને બહાદુર સૂખા ચૌધરી વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.