હળાહળ કળયુગની સાક્ષી પૂરતો એક ચકચારી કિસ્સો પંચમહાલ જિલ્લા થી સામે આવ્યો છે જ્યાં માત્ર વૃક્ષ કાપવા ની અદાવતે પાડોશી ઓ એ યુવક ને લાઈટ ના થાંભલે બાંધી લાકડી ના ફટકા મારી નિર્દયતા પૂર્વક ઘાતકી હત્યા કરી નાંખી. હૈયું હચમચાવી નાખતી આ ઘટનામાં શુ છે હકીકત? પંચમહાલના શહેરા તાલુકાના સરાડીયા ગામમાં ખેતરની વાડમાં આવેલા લીમડાના વૃક્ષની ડાળી કાપી નાંખવા જેવી સામાન્ય બાબતમાં એક યુવકની ઘાતકી હત્યા કરી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે.
શહેરા તાલુકાના સરાડીયા ગામ ખાતે વિજય પગી નામનો યુવાન પોતાની માતા સાથે રહેતો હતો. માતા અને પુત્ર એકલા જ હોઈ વૃદ્ધ માતા નો એક માત્ર કમાઈ ને ખવડાવનાર સહારો હતો.માતા પુત્ર નું જીવન શાંતિથી નિર્વાહ થઈ રહ્યું હતું.પરંતુ કહ્યું છે ને કે કાળ કદી પીછો છોડતો નથી. બન્યું પણ એવું જ… ગત 1લી ઓગષ્ટ ની રાત્રે વિજય ઘરકામ પતાવી પોતાની માતા ને જમાડીને ઘરમાં સૂતો હતો. એવા માં રાત્રીના વિજયના ઘરથી થોડે દુર રહેતા ચારથી પાંચ જેટલા ઈસમો લાકડીઓ સાથે ધસી આવી વિજય ને તે અમારો લીમડો કેમ કાપી નાખ્યો તેવું કહી તેને માર મારતા મારતા ઢસડી ને લઈ ગયા.
વિજયની અશક્ત માતા તેને છોડાવવા ઘણી આજીજી અને કાલાવાલા કર્યા પણ જેના માથે કાળ સવાર હતો. તેવી ટોળકી એ વિજયની માતાની એક પણ કાકલૂદી સાંભળી નહીં. છેવટે આ લાકડીધારી ટોળકી વિજયને તેના નિશાળ ફળિયાના નિવાસસ્થાનેથી મારતા મારતા ઢસડીને ગામ નજીક લઈ ગયા જ્યાં ફળિયા વચ્ચે આવેલા લાઈટના થાંભલા સાથે વિજયને બાંધીને ફરીથી ઢોર માર માર્યો એવામાં અન્ય કેટલાક લોકો પણ લાકડીઓ સાથે ધસી આવી વિજયને શરીરના દરેક ભાગ પર લાકડીઓના ફટકાઓ માર્યા.
બીજી તરફ વિજયની માતા તેના પરિવારના સભ્યોને જાણ કરી અને ગામ લોકોને પણ જાણ કરી. પરંતુ વિજયને પડતા મારના દ્રશ્યો અને લાકડીધારી ખૂની ટોળકી ના ખોફનાક દ્રશ્યો જોઈ માયકાંગલી બની ગયેલ ભીડે વિજયને છોડાવવાની હિંમત સુદ્ધાં ન કરી. વિજયની માતા ગમે તેમ કરી શહેરા પોલીસને જાણ કરી પોલીસને સાથે લઈને આવતા પોલીસના માણસોએ વિજયને થાંભલે બાંધેલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં છોડાવ્યો, તાત્કાલિક 108ને જાણ કરી વિજયને સારવાર અર્થે લઈ જઈ રહ્યા હતા. જ્યાં રસ્તામાં જ માતાના એક માત્ર સહારો એવા જુવાનજોધ 34 વર્ષીય વિજયનું પ્રાણ પંખેરુ ઉડી ગયું.
આ સમગ્ર મામલે જ્યારે મૃતક વિજયના ભાભી પુનીબેને શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જેમાં વિજયને માર મારી હત્યા કરવાનું જે કારણ સામે આવ્યું તે પણ ખૂબ જ ચોંકાવનારું હતું. વિજયની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ કુટુંબના દૂરના સગા એવા ભાઈઓ અને કાકાઓએ મળી કરી હતી અને તેનું કારણ માત્ર ખેતરના છેડા પર આવેલ લીમડાનું હતું. આ ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતને ઝનૂની બનેલા કૌટુંબિક ભાઈઓ અને કાકાઓએ મળી વિજયની હત્યા કરી નાખી હતી.
શહેરા પોલીસે આ મામલે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તમામ આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે સાત માંથી ચાર આરોપી આરત ભાઈ તીતાભાઈ પગી, કિરણભાઈ આરત પગી, નિલેશ કિરણભાઈ ત્રણ રહે સરાડીયા તેમજ પોપટ વાલમ ભાઈ બારીયા, ચલાલીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. જોકે મૃતકના સ્વજનનો ભારે આક્રોશ સાથે આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગણી સાથે યુવકને માર મારવામાં અન્ય મહિલાઓ પણ સામેલ હતી, તેવા આક્ષેપો સાથે તેઓની પણ પોલીસ ધરપકડ કરી કાર્યવાહી કરે એવી માંગણી કરવામાં આવી રહી છે.
મૃતક વિજયની વયોવૃદ્ધ માતા આક્રંદ કરતા જણાવી રહી હતી કે મારી નજર સામે જ મારા દીકરાને મારી નાખ્યો છે હું બુમો પાડતી રહી પણ મને નજીક જવા જ ના દીધી, જેથી મારા છોકરાને મારી નાખ્યો છે એવી સજા આરોપીઓને પણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવકની સાથે તેની માતા રહેતી હતી અને પાલનપોષણ કરતો હતો જેથી માતા હાલ ઘેરા શોકમાં ગમગીન બની ગઈ છે. આ સમગ્ર મામલે શહેરા પોલીસે હત્યારા ટોળકી ના 7 ઈસમો વિરુદ્ધ હત્યા,અપહરણ સહિતની ગંભીર ધારાઓ સાથે ગુન્હો નોંધી ચાર આરોપીઓ ની ધરપકડ કરી વધુ 3 આરોપીઓ ની શોધખોળ ના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.