દુનિયાભરના લાખો મુસલમાનો હજ માટે દર વર્ષે સાઉદી અરેબિયા જતા હોય છે. ઇસ્લામનું આ પ્રાચીન ધાર્મિક અનુષ્ઠાન સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે અત્યંત મહત્ત્વનું હોય છે. સાઉદી અરેબિયાના મક્કા શહેરમાંના કાબાને ઇસ્લામમાં સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. પાંચ દિવસની હજયાત્રામાં દરવર્ષે લાખોની સંખ્યામાં મુસલમાનો હજયાત્રા માટે સાઉદી અરેબિયા જતા હોય છે, પરંતુ કેટલીક વખતે હજયાત્રા જવાનામાં ધૂતારાઓના હાથે છેતરપીંડીના બનાવો બનતા હોય છે. હાલ પંચમહાલના કાલોલમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 30થી વધુ લોકો પાસેથી 18.35 લાખની છેતરપીંડીની ઘટના બની છે.
ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, આ કહેવત અનુસાર રાજ્યમાં કેટલીયે આંખ ઉઘાડનારી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તેમાંથી કોઈ બોધપાઠ લેતું નથી, અને આખી જિંદગીની જમાપૂંજી આવા લોભિયાઓ લઈને રફૂચક્કર થઈ જતા હોય છે. ત્યારે પંચમહાલના કાલોલમાં હજયાત્રાના બહાને લાખોની છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનામાં પંચમહાલના 30થી વધુ લોકો પાસેથી આરોપીઓએ 18.35 લાખ રૂપિયા પડાવ્યા હતા. લોકો પાસેથી રૂપિયા મળી ગયા બાદ આરોપીઓ રાતોરાત ફરાર થઈ ગયા હતા. પરંતુ કહેવાય છે ને કાનૂન કે હાથ લંબે હોતે હૈ, આ ડાયલોગ અનુસાર કાલોલ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી નાંખી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કાલોલમાં હજયાત્રા કરાવવાના નામે લાખોની છેતરપીંડીના કિસ્સાએ ખળભળાટ મચાવી દીધો છે. કાલોલના 30થી વધુ લોકો સાથે રૂપિયા 18,35,000 રૂપિયાની છેતરપીંડી થઈ છે. સુરત અને કરઝણના બે ઈસમોએ કાલોલમાં ટ્રાવેલ એજન્ટની ઓફીસ ખોલી હતી અને હજ લઈ જવાના નામે 30થી વધુ લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી લાખો રૂપિયા લીધા હતા.
મક્કામાં ઉમરાહ કરાવવાના નામે કાલોલના ૩૦થી વધુ મુસ્લિમ બિરાદરોના રૂપિયા અને પાસપોર્ટ ઉઘરાવ્યા બાદ આરોપીઓ રાતોરાત ઓફીસ બંધ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનામાં લોકોને હજયાત્રાના નામે છેતરાયા હોવાનું ધ્યાને આવતા ભોગ બનનાર ઈસમોએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરીને કાલોલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.