ગેહલોતે પાયલોટ પર આકરો પ્રહાર કરતા એમ પણ કહ્યું હતું કે સોનાની છરી પેટમાં ઉતારવા માટે નથી હોતી
બગાવતના આરોપસર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા વિશ્વેન્દ્ર સિંહનો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પરનો પ્રહાર ચાલુ જ છે. અશોક ગેહલોતે પોતાના કેબિનેટના પૂર્વ સહયોગી અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવીને કોઈ નેતા હેન્ડસમ હોય કે, અંગ્રેજી બોલે તે તેની ક્ષમતાની ગેરન્ટી નથી તેવો કટાક્ષ કર્યો હતો.
સચિન પાયલટનું નામ લીધા વગર જ કોંગ્રેસ દ્વારા તેમના વિરૂદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી તેને સાચી ઠેરવતા અશોક ગેહલોતે કહ્યું હતું કે, દેશમાં તમારી વિચારધારા, નીતિઓ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા વગેરે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સમયે ગેહલોતે પાયલોટ પર આકરો પ્રહાર કરતા એમ પણ કહ્યું હતું કે સોનાની છરી પેટમાં ઉતારવા માટે નથી હોતી.
બરતરફ નેતા વિશ્વેન્દ્રનો કટાક્ષ
ગેહલોતના આ નિવેદનને જ આધાર બનાવીને ડીગ કુમ્હેરના ધારાસભ્ય અને પાર્ટીમાંથી બહાર કરાયેલા વિશ્વેન્દ્ર સિંહે એમ કહ્યું હતું કે, હેન્ડસમ તો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ હતા અને અંગ્રેજી પણ સારૂ બોલતા હતા. વિશ્વેન્દ્ર સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હેન્ડસમ તો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ હતા અને અંગ્રેજી પણ સારૂ બોલતા હતા….#બસ કહી રહ્યો છું.’
ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે કામ કરી ચુક્યા છે. અશોક ગેહલોતને રાજીવ ગાંધીના વિશ્વાસુ પણ માનવામાં આવતા હતા.
વિશ્વેન્દ્ર સિંહ એ સચિન પાયલટ જૂથના નેતા છે. કોંગ્રેસ હાઈ કમાને પહેલા તેમને મંત્રી પદેથી બરતરફ કર્યા હતા અને ત્યાર બાદ તેમની કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પણ સસ્પેન્ડ કરી દીધી હતી. વિશ્વેન્દ્ર સિંહ પોતાના 30 વર્ષના રાજકીય જીવનમાં પહેલી વખત જ મંત્રી બન્યા હતા. તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તેને લઈ ભરતપુરમાં ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.