પાટીદાર અનામત આંદોલનને ગુજરાતની પ્રજા ક્યારેય ભૂલી શકે એમ નથી અને એમાં પણ હાર્દિક પટેલના એક બાદ એક જોવા મળેલા રાજકીય નાટકે તો ગુજરાતની પ્રજાના માનસપટલ પર એટલી અસર કરી છે કે હવે તેની પડખે કે તેના પર વિશ્વાસ કરવા કોઈ તૈયાર નથી.
પાટીદાર અનામત આંદોલનને સાત વર્ષ બાદ એક વાર્તા જેવી સ્ક્રિપ્ટ હાર્દિક પટેલના જીવનમાં જોવા મળે છે અને એક સામાન્ય યુવાનથી રાજકીય નેતા બનવા સુધીની સફર હાર્દિક પટેલના જીવનમાં તો ઘણો બદલાવ લાવી છે, પરંતુ એ 14 યુવાન કે જેમણે અનામત મેળવવા માટે હાર્દિક પટેલને સહયોગ આપ્યો અને પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારની હાલત પૂછવા પણ હાર્દિક પટેલ ગયો નથી.
25 ઓગસ્ટ 2015ના રોજ થયેલા પાટીદાર અનામત આંદોલનને આજે સાત વર્ષ પૂર્ણ થયાં છે અને ત્યારે હાર્દિક માટે તો આ મૃતક યુવાનો પોતાની સફળતા માટેની નિસરણી બની ગયા, પરંતુ એ પરિવારજનો સાત વર્ષ બાદ પણ હજુ ત્યાં ને ત્યાં જ સ્થગિત થઈ ગયા છે, કેમ કે તેમણે ગુમાવ્યા છે પોતાના યુવાન દીકરા અને એ પરિવારજનો તો હાર્દિક પટેલ પ્રત્યે રોષની લાગણી વરસાવી રહ્યા છે તેમજ તેના નામથી વાત કરવાનું પણ ટાળી રહ્યા છે.
ભાજપમાં જોડાતા વખતે હાર્દિક પટેલે પોતાની જાતને રામસેતુની ખિસકોલી બનીને સેતુરૂપ ભૂમિકા અદા કરવાનો હેતુ જણાવ્યો હતો, પરંતુ એની પાછળ તે ચૂંટણી લડવાનો પોતાનો એક અલગ સેતુ ઊભો કરી રહ્યો છે અને એ વાતથી સૌ કોઈ અજાણ છે. જે છુપો ઈરાદો છે એ સિદ્ધ થવાનો સમય વર્ષ 2022ના આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી છે.
જ્યારથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો છે ત્યારથી લઈને અત્યારસુધી અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ તો કરી જ રહ્યો છે, પરંતુ મોટા ભાગનો સમય તે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં પસાર કરી રહ્યો છે અને આ વિસ્તારમાં તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તેમજ ભાજપનો પ્રચાર કરે છે.
ભાજપમાં જોડાતા સમયે મીડિયાએ હાર્દિક પટેલને સવાલ પૂછ્યો હતો કે ચૂંટણી લડશે?ત્યારે એ સમયે તેમણે એક જ વાત કરી હતી કે તે રામસેતુની ભૂમિકા અદા કરશે અને ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ હવે તેના તમામ ઈરાદા ખુલ્લા પાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાર્દિક વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.