પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી પોલીસે ધરપકડ કરી છે. આવતીકાલે સવારે રાજદ્રોહ કેસ મામલે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં ગેરહાજર રહ્યાં હતા. ત્યારે કોર્ટે હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં પાટીદાર અનામત આદોલન સમયે થયેલા તોફાન મુદ્દે અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં, સિટી સિવિલ સેશન્સ કોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલને ઝટકો આપ્યો છે. 18 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી હોવા છતાં, હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હતો, જ્યારે ચિરાગ પટેલ અને દિનેશ પટેલ હાજર રહ્યા હતા. હાર્દિકે તેની ગેરહાજરી બદલ માફ કરવા અંગે અરજી કરી હતી. જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી અને તેની સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કર્યું છે.
પોલીસ હવે હાર્દિકની ધરપકડ કરીને તેને કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે. સેશન્સ કોર્ટે તેના હુકમમાં નોંધ્યું છે કે, હાઈકોર્ટે હાર્દિક પટેલના જામીન મંજૂર કર્યા હતા, ત્યારે શરત રાખી હતી કે તેણે ટ્રાયલ સંદર્ભે કોર્ટમાં હાજર રહેવુ પડશે. જો કે, આરોપી કોઈના કોઈ કારણસર કોર્ટમાં હાજર રહેતો નથી. જેના લીધે, ટ્રાયલમાં વિલંબ થાય છે.
આ કેસમાં હાર્દિક, ચિરાગ પટેલ, દિનેશ પટેલ અને કેતન પટેલ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવેલો છે. જેમાં, કેતન પટેલ કેસમાં સાક્ષી બની ગયેલો છે. જ્યારે અન્ય ત્રણ સામે કેસ ચાલે છે. મહત્વનુ છે કે, ચિરાગ પટેલ એ ભાજપમાં જોડાઈ ગયેલો છે. આ કેસમાં ચાર્જફ્રેમ થતાં આ કેસ ચાલવા પર આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.