સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીકૃષ્ણા એકસપોર્ટ પ્રાઈવેટ લિમિટેડનું નામ મોટું છે. જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાએ પોતાની માર્કેટિંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી. સમગ્ર દેશમાં મંદીની વાતો વચ્ચે સુરતનો હીરા ઉદ્યોગ પણ મંદીનો સામનો કરી રહ્યો છે. આ દરમિયાન સવજી ધોળકીયા પોતાના કર્મચારી પાસે અમારી કારના હપ્તા કંપની ભરી રહી છે તેવુ લખાણ લખાવી રહ્યા છે, તેવું બે રત્ન કલાકારોએ સોશિયલ મીડીયા ઉપર વાયરલ કર્યું. તેમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો. સવજીભાઇએ આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોતાની બદનામી થઈ રહી છે તેવા મતલબની ફરિયાદ આપી છે. જેની સામે રત્ન કલાકારોના ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્નારા સુરત પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપી પોતાનો પક્ષ પણ રજુ કર્યો છે. યુનિયનનું કહેવું છે કે જો સવજીભાઇ હપ્તા ભરતા હોય તો તેમને રત્નકલાકારોની પગાર સ્લીપ આપે. તેઓ પોતાની ભૂલ સ્વીકારી લેશે.
ઘટનાની શરૂઆત આ પ્રમાણે થઈ હતી. સુરતમાં પોતાની દાનવીર તરીકે છાપ ઉભી કરનાર સવજી ધોળકીયા પોતાના કર્મચારીઓને દિવાળીમાં કાર અને ફલેટ આપે છે તેવી ખ્યાતિ તેમણે ગુજરાત સહિત સમગ્ર દેશના મીડીયામાં ઉભી કરી. પણ વાત એવી બહાર આવી હતી કે ગત દિવાળીના બોનસ પેટે રત્ન કલાકારોના પગારમાંથી દર મહિને કાપવામાં આવતી રકમ કારના ડાઉન પેમેન્ટ તરીકે ભરવામાં આવતી હતી. ત્યારે સવજી ધોળકીયાએ જાહેરાંત કરી હતી કે હવે કારના હપ્તા કંપની ભરશે. બીજી બાજુ હાલમાં કારના હપ્તા ન ભરાતા હોવાનું રત્ન કલાકારોએ સોશીયલ મિડીયા ઉપર લખતા સવજી ધોળકીયા ભડકયા હતા.
રત્નકલાકારોનો આરોપ છે કે તેમણે તમામ રત્ન કલાકારો પાસે લખાવી લીધું હતું કે અમારા કારના હપ્તા કંપની ભરે છે. જો આ વાત સાચી હોય તો ધોળકીયાએ આવું લખાણ લખાવી લેવાની જરૂર ન્હોતી, ત્યાર બાદ વગદાર ધોળકીયાએ સુરત ક્રાઈમમાં પોતાની બદનામી થઈ રહી છે તેવી ફરિયાદ પણ આપી હતી
યુનિયનનું કહેવું છે કે આ આખી ઘટના પાછળ રત્ન કલાકાર અને યુનિયનના નેતા ભાવેશ ટાંક અને હરેશ કુબાવત છે તેવી શંકા જતાં તેમને નોકરીમાંથી કાઢી મુકાયા હતા. આ મામલે યુનિયન દ્વારા સુરત પોલીસ કમિશનરને એક આવેદન પત્ર આપી પોતાનો પક્ષ રજુ કર્યો છે. તેમનો દાવો છે કે તેમણે સોશીયલ મીડીયા ઉપર કઈ રીતે રત્ન કલાકારો મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે તે અંગે વાકેફ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.