મેડીકલ કાઉન્સીલ ઓફ ગુજરાતના પરિપત્ર અનુસંધાને પાટણમાં બોગસ ડિગ્રી ધરાવતા અને એમ. ડી. ફીજીશીયનની પ્રેકટીસ કરતા ડોક્ટર સામે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ફરીયાદ નોંધાવાની તજવીજ શરુ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મેડીકલ કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા યોગેશ પટેલ નામના ડોકટરની કોઇ ડિગ્રી ઇસ્યુ કરવામાં આવી નથી અને જેથી કસુરવાર ઠેરવતા તેની સામે ફરીયાદ નોંધાશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
શહેરના હાર્દસમા જુના બસસ્ટેશન વિસ્તારમાં એમ. ડી. ફીજીશીયનની બોગસ ડિગ્રી પર પ્રેકટીસ કરી રહેલા ડૉ. યોગેશ પટેલ સામે બોગસ ડિગ્રી હોવાના આક્ષેપો મામલે તંત્રના આરોગ્ય વિભાગમાં રજુઆત થવા પામી હતી. જે મામલે જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકીની સૂચના અનુસંધાને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ. એ. આર્ય દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે, બોગસ ડિગ્રી ધરાવનાર ડોકટર ક્લીનિકને તાળા મારી ફરાર થઈ ગયો છે. અને જેથી આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કાઉન્સીલ ઓફ ગુજરાતને લેખીતમાં પત્ર મોકલવામાં આવ્યો હતો.
ત્યારે, મેડીકલ કાઉન્સીલે ડોક્યુમેન્ટની ખરાઈ કરતા આ ડોકટરની ડિગ્રી બોગસ હોવાનું તેમજ તેની કોઇપણ જાતની ડિગ્રી ઇસ્યુ નહીં થઈ હોવાનું જણાવતા ડોકટર યોગેશ પટેલ સામે ફરીયાદ નોંધાવાની કામગીરી શરુ કરવામાં આવશે તેમ જિલ્લા અરોગ્ય અધિકારી ડૉ. એસ. એ. આર્ય એ મીડિયાને જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ડૉ. યોગેશ પટેલની બોગસ ડિગ્રી મામલે યોગ્ય તપાસ કરી ફરિયાદ નોંધાવા તાલુકા આરોગ્ય અધિકારી પાટણને તમામ સતા આપવામાં આવી છે તેમજ આ ઉપરાંત ડૉ. યોગેસ પટેલ આયુર્વેદ ડોક્ટરની ડિગ્રી હોવાની ચર્ચા ચાલી રહી છે.અને ત્યારે, આ ડોક્ટર યોગેસ પટેલ પાસે આયુર્વેદના ડોક્ટરની ડિગ્રી છે કે કેમ તે બાબતે તપાસ કરવા માટે જિલ્લા આયુર્વેદ વિભાગના અધિકારીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવશે.
પાટણમાં આઈસીયુ અને 24 કલાક માટે આરોગ્ય સેવા આપતી પ્રસિદ્ધ હોસ્પિટલના ડોક્ટર યોગેશ પટેલ પાસે એમડી કે એમબીબીએસ જેવી કોઈજ ડિગ્રી ન હોવાનું મેડિકલ કાઉન્સીલ ઓફ ગુજરાતની તપાસમાં બહાર આવ્યું છે અને ત્યારે, છેલ્લા દોઢેક વર્ષથી હોસ્પિટલ ચલાવતા બોગસ ડોક્ટર યોગેશ પટેલે કોરોના મહામારીમાં અનેક દર્દીઓની તેમની હોસ્પિટલમાં સારવાર કરી હોવાનું અને તેમની પાસેથી અઢળક કમાણી કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.