– જી.જી. હોસ્પિટલના પોલીસ સ્ટાફે બાળકનો જીવ બચાવવા માટેની દોડધામ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
– વિકાસગૃહના સંચાલિકા બહેનો દ્વારા ગંભીર બીમારી સ્વરૂપે દાખલ થયેલા બાળક માટે ત્રણ આયા બહેનોની વ્યવસ્થા ગોઠવાઇ
– પોલીસ દ્વારા બાળકના પિતાને દબાણ કરી ગોધરાથી જામનગર પરત બોલાવાયો
– બાળકને સાચવવા બાબતે માતા-પિતા બંને વચ્ચે ઝગડો થયો હોવાથી માતા બાળકને તરછોડી-પતિ ગ્રહ છોડીને વતનમાં ચાલી
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે અજીબો ગરીબ કિસ્સો બન્યો છે, કળિયુગી માતા-પિતા કહી શકાય એવા દંપતીએ પોતાના માત્ર 1મહીનાના વહાલસોયા પુત્રને બીમાર અવસ્થામાં તરછોડી પોતાના વતનની વાટ પકડી લેતાં ભારે દોડધામ થઇ હતી.
આખરે જી.જી. હોસ્પિટલના પોલીસ સ્ટાફે માનવતા ભર્યું કાર્ય કર્યું હતું, અને બાળકના પિતાને ટેલિફોનિક જાણ કરી જામનગર પરત લાવવા દબાણ કર્યું છે, અને પિતાને પરત બોલાવાયો છે. પરંતુ માતા બાળકની બીમારીને લઈને પતિ સાથે ઝઘડો કરી પોતાના વતનમાં એકલી ચાલી ગઈ છે. સમગ્ર મામલે વિકાસગૃહના સંચાલક બહેનોની મદદ લેવામાં આવી રહી છે, અને ત્રણ આયા બહેનો દ્વારા હાલ જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકની સારવાર માટે મદદ કરવામાં આવી રહી છે.
આ ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પરામદીને સવારે જયપાલ દિનેશભાઈ ધારવા નામના એક મહિનાના માસૂમ બાળકને નાના બાળકો માટેના આઈ.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. જે બાળક અપરિપક્વ અને કુપોષિત હોવાથી તેની સઘન સારવાર ચાલી રહી છે.
બાળકના માતા-પિતા જી. જી. હોસ્પિટલમાં હાજર હતા, પરંતુ બાળકની બીમારી અને સારવાર માટે આર્થિક મદદની જરૂર હોવાથી તેઓ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામમા રહેતા રમેશભાઇ જીવાભાઈ ગોજીયા કે, જેની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે તેનો સંપર્ક સાધ્યો હતો, જેથી રમેશભાઈએ સારવાર અર્થે એક હજાર રૂપિયા મોકલાવ્યા હતા.
જે પૈસાની મદદથી સારવાર ચાલુ રખાઇ હતી. પરંતુ કુપોષિત બાળક મામલે માતા-પિતા વચ્ચે ઝઘડો થયો હતો, અને બાળકની માતા બાળકને ત્યજી દઈ પતિ સાથે પણ છેડો ફાડીને તેના વતનમાં ગોધરા ચાલી ગઈ હતી.
દરમિયાન બાળકનો પિતા દિનેશ ધારવા પણ પોતાના બાળકને જી.જી.હોસ્પિટલમાં એકલું મુકીને ભાગી છૂટ્યો હતો. પરંતુ કેસની હિસ્ટ્રીમાં તેનો મોબાઈલ નંબર નોંધાયેલો હોવાથી સમગ્ર મામલો જામનગરની જી.જી હોસ્પિટલની પોલીસ ચોકીના પોલીસ હેડ કોન્સ્ટેબલ મગનભાઈ ચનિયારા પાસે પહોંચ્યો હતો.
બાળકોના વિભાગના ડો. ભદ્રેશ વ્યાસ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ જમાદાર મગનભાઈ ચનિયારા એ તાત્કાલિક અસરથી કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં વર્ધી લખાવી હતી. અને કલ્યાણપુર પોલીસ ને સમગ્ર મામલાની જાણ કરી હતી.
બાળકના માતા-પિતા તરછોડીને ચાલ્યા ગયા હોવાથી વિકાસગૃહ નો સંપર્ક સાધ્યો હતો, જેથી વિકાસગૃહના સંચાલિકા ઉર્વીબેન ગજ્જર કે જેમણે ત્રણ આયા બહેનો ની વ્યવસ્થા કરી આપી હતી અને સુરભીબેન, કંચનબેન, તેમજ સરિતાબેન નામની ત્રણ આયા બહેનો કે જેઓ જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકની સુશ્રુષા કરી રહી છે. અને ત્રણેય બહેનો આઠ-આઠ કલાકની ફરજ બજાવી રહી છે. જે બાળકની હાલ સારવાર ચાલી રહી છે.
દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા બાળકના પિતા દિનેશનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, અને તેને જામનગર પરત લાવવા માટે દબાણ કર્યું હતું. જો બાળક ને લેવા માટે પરત નહીં આવે અને બાળકને કશું થશે તો તેની જવાબદારી પિતાની રહેશે અને તેની સામે પોલીસ પગલાં લેવાશે તેવી ગર્ભિત ધમકીઓ આપતાં આખરે પિતા માની ગયો હતો, અને પોતાના પુત્રનો કબજો સંભાળવા માટે વતનથી જામનગર પરત ફર્યો છે. જ્યારે તેની પત્ની રિસામણે ચાલી ગઈ છે, અને પરત આવવા માટે તૈયાર નથી. જેથી પિતા એકલા જ જામનગર આવીને બાળકને સાર સંભાળ લેવા તૈયાર થયા છે. જે સમગ્ર મામલાને લઈને જામનગરના જી.જી. હોસ્પિટલના વર્તુળમાં ભારે દોડધામ મચી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.