હડતાળ પર ઉતરતા પહેલા ચેતજો, તેલંગાણાની સરકારે એક ઝાટકે 48,000થી વધુ કર્મીઓને ઘરે બેસાડી દીધા

તેલંગાણા રાજ્ય સડક પરિવહન નિગમ(ટીએસઆરટીસી)ના કર્મચારીઓ છેલ્લા ત્રણેક દિવસથી અનિશ્ચિત કાળની હડતાલ પર ઉતર્યા છે. આ કારણે નારાજ થયેલી કેસીઆર સરકારે 48 હજારથી પણ વધારે કર્મચારીઓને કામ પરથી બરતરફ કરી દીધા છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રવિવારે રાતે સરકાર દ્વારા નિર્ધારીત સમય મર્યાદા પહેલા ફરજ પર હાજર નહીં થયા તે તમામ ટીએસઆરટીસી કર્મીઓને પાછા લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરી હતી.

ટીએસઆરટીસીના 50 હજાર જેટલા કર્મીઓએ સતત બીજા દિવસે પણ હડતાલ ચાલુ રાખી હતી જેના કારણે સમગ્ર રાજ્યમાં બસ સેવાઓ પ્રભાવિત થઈ હતી. દરરોજ એક કરોડથી પણ વધારે મુસાફરો બસ સેવાનો લાભ લે છે અને મુખ્યમંત્રીની સ્પષ્ટતા બાદ ટીએસઆરટીસીમાં માત્ર 1,200 કર્મીઓ બચ્યા છે.  તેલંગાણા સરકારે હડતાલને ગેરકાયદેસર ઘોષિત કરી હતી અને કર્મચારીઓને ફરજ પર પાછા ફરવા માટે શનિવારે સાંજે છ કલાક સુધીમાં રિપોર્ટ કરવા કહ્યું હતું. મુખ્યમંત્રી આ મામલે પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા અને નિશ્ચિત સમય મર્યાદામાં ફરજ પર હાજર ન થનારા કર્મીઓએ પોતાની નોકરી ગુમાવી હતી.

હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની મુખ્ય માંગ ટીએસઆરટીસીને સરકારમાં વિલય કરવાની છે પરંતુ મુખ્યમંત્રીએ આ માંગનો અસ્વીકાર કર્યો હતો. તેમણે કર્મચારીઓએ હડતાલ પર ઉતરીને ગંભીર ભૂલ કરી હોવાનું અને તેમના સાથે સમજૂતી કરવાની કોઈ જરૂર ન હોવાનું જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.