અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકાર, બે અંડરપાસ બંધ કરવામાં આવ્યા..

અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમાં મણિનગર, નારોલ, ઈસનપુર, ખોખરા, હાટકેશ્વર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને તેમજ શહેરમાં રાતથી અત્યાર સુધી 3 ઈંચ વરસાદ થયો છે અને તેથી વાસણા બેરેજના 4 દરવાજા 3 ફૂટ ખોલાયા છે.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે શહેરના બે અંડરપાસ બંધ કરાયા છે અને તેમાં મીઠાખળી તેમજ દક્ષિણી અંડરપાસ બંધ કરાયા છે. તથા હાટકેશ્વર, ખોખરા, ગોમતીપુરમાં હજી પાણી ભરાયેલી સ્થિતિમાં છે. તેમજ કાંકરિયા ગેટ નંબર 3 ની દિવાલ તૂટી છે. તથા ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ગોમતીપુર ફાયરસ્ટેશન પાણીમાં ગરકાવ છે. તેમજ પ્રહલાદનગર સર્વિસ રોડ ઉપર પાણી ભરાવવાની સ્થિતિ છે.

છેલ્લાં કેટલાંક દિવસથી વિરામ લીધા પછી અમદાવાદમાં શનિવારે સાંજથી વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસેલા મૂશળધાર વરસાદે સમગ્ર શહેરને ઘમરોળી નાંખ્યું હતું અને મણિનગરમાં ગોરના કૂવા પાસે વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટ લાગવાથી એક મોટર સાયકલ સવારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા ચકુડીયા, વટવા, મણિનગર અને નિકોલમાં ફક્ત 4 કલાકમાં સવા 3 ઈંચ વરસાદ ખાબકવાને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે પૂર્વના રહીશો, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં શનિવારે સાંજે ફક્ત 4 કલાકમાં સરેરાશ દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ફક્ત 45 મિનિટમાં ધોધમાર વરસાદ તૂટી પડવાને કારણે હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાઈ હતો અને CTM સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

અમદાવાદમાં મોસમના સરેરાશ 32 ઈંચ જેટલો વરસાદ વરસે છે અને સરેરાશ 34.20 મિ.મિ. એટલેકે દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે અને મોસમનો અત્યાર સુધીમાં 515.49 મીમી એટલેકે 20.30 ઈંચ વરસાદ વરસ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.