હવામાન વિભાગ જાણે ગુજરાત પર મહેરબાન હોય તેમ રાજ્યમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, વડોદરા, વલવસાડમાં આજે ભારે વરસાદ તૂટી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદે આણંદમાં જળબંબાકારની સ્થિતિ ઉભી કરી છે.
આણંદ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે. આકાશ હજુ પણ મેઘાડંબર વાદળોથી ઘેરાયેલું છે. શુક્રવારે વહેલી પરોઢે જાણેકે આણંદમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રભાતે 6થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ગાળામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
ગણતરીના કલાકોમાં વરસેલા 7 ઇંચ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને કારણે વહેલી સવારે નોકરીધંધે જતા લોકોને ખાસ તકલીફો પડી હતી. કમર સમા પાણીમાં રીક્ષા અને બાઈકો પણ ડૂબી ગઈ હતી. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો પહેલા જ વરસાદમાં પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.
પરમદિવસે બુધવારે રાતથી શરૂ થયેલી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શુક્રવારે પણ ચાલુ રહી હતી. શુક્રવાર સુધીમાં તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં કુલ મળીને અધધધ 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ ભારે પવન સાથે ખબકેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમનની સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને કારણે નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ સિવાય રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ચાલુ છે. જો કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ હવામાનની આગાહી છે. હાલ વાવણીની સિઝન ચાલી રહી હોવાથી સારા વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યા છે. જો કે, હવામાન એની આગાહી પ્રમાણે અનુકૂળ રહ્યું તો જગતના તાતને મબલક પાક ઉપજશે તેમાં કોઈ નવાઈ નથી.
https://www.youtube.com/watch?v=8caNARO-BLA
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.