હેલ્મેટ પહેરવાની તૈયારી રાખજો! CMએ કહ્યું, ‘કાયદો કાઢ્યો નથી, સ્થગિત કર્યો છે’

ગાંધીનગર : નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ પહેરવામાંથી આપવામાં આવેલી મુક્તિ થોડા સમયમાં પાછી ખેંચવામાં આવી શકે છે. આ મામલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે ખુલાસો કર્યો છે કે, ‘હેલ્મેટનો કાયદો રદ નથી કર્યો, તેને સ્થગિત કરવામાં આવ્યો છે.’ સીએમના આવા નિવેદન બાદ ફરીથી લોકોમાં હેલ્મેટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, જે તે સમયે હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરતી વખતે પણ વાહનવ્યવહાર મંત્રીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે આ કાયદો સ્થિગિત કરવામાં આવી રહ્યો છે.

રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ પહેરવામાં મુક્તિ આપવાની સરકારની જાહેરાત અંગે તાજેતરમાં રૉડ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ પાસે ખુલાસો પૂછ્યો છે. આ મામલે પ્રતિક્રિયા આપતા વિજય રૂપાણીએ હેલ્મેટનો કાયદો સ્થિગિત કર્યાનો ખુલાસો કર્યો હતો. આ મામલે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે આ અંગેનો યોગ્ય ખુલાસો ચીફ સેક્રેટરી તરફથી મોકલી દેવામાં આવશે.

ચોથી ડિસેમ્બર, 2019ના રોજ કેબિનેટ બેઠક બાદ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરી હતી. કેબિનેટ મંત્રીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર અને વાહનવ્યવહાર મંત્રાલયનો એવો મત હતો કે અકસ્માતનાં કેસમાં માથામાં ઇજાને કારણે સૌથી વધારે લોકોનાં મોત થતા હોય છે. આપણે કિંમતી માનવધન ગુમાવવું ન પડે તે માટે હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય લેવાયો હતો. આ મામલે સરકારને તમામ શહેરોમાંથી અને સોશિયલ મીડિયા પર ઉગ્ર રજુઆતો મળી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોની ખૂબ નારાજગી જોવા મળી હતી. આથી સરકાર હેલ્મેટ મરજિયાત કરવા અંગે વિચારવા મજબૂર બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.