હેલમેટ થઈ શકે છે ફરજિયાત, હેલમેટ મુદ્દે સરકારનો હાઈકોર્ટમાં નવો વળાંક

રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા પછી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોએ હેલમેટના કાયદાનો વિરોધ કર્યો હતો. લોકોના વિરોધને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા 5 ડિસેમ્બરના રોજ કેબિનેટ બેઠકમાં રાજ્યના મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં હેલમેટ પહેરવામાં છૂટછાટ આપવામાં આવી હતી અને રાષ્ટ્રીય કે પંચાયત હસ્તકના રસ્તાઓ પર હેલમેટ ફરજિયાત પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા લોકોને હેલમેટના કાયદામાં છૂટ આપવામાં આવતા રોડ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સરકારના મુખ્ય સચિવ અનીલ મુકીમ પાસે આ બાબતે ખુલાસો માગવામાં આવ્યો છે અને પૂછવામાં આવ્યું છે કે, રાજ્યમાં હેલમેટ પહેરવાથી મુક્તિ શા માટે? હેલમેટ ન પહેવાથી દુર્ઘટનામાં મોત થાય તો જવાબદાર કોણ?

રોડ સેફટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ખુલાસો આપતા રાજ્ય સરકારે યુ-ટર્ન લીધો હતો. રાજ્ય સરકારે તેમના જવાબમાં જણાવ્યું છે કે, કાયદાની મર્યાદામાં રહીને જ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. માર્ગ સલામતી કાયદામાં રાહત આપવાનો રાજ્ય સરકારને અધિકાર છે. હેલમેટ અંગે જરૂરી નિર્ણય લેવા રાજ્ય સરકારને પણ સત્તા છે. જરૂર પડશે તો ફરીથી ગુજરાતમાં હેલમેટનો કાયદો લાગુ કરવામાં આવશે.

આ સમગ્ર મામલે સુરતના એક અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેલમેટના નિયમને લઇને એક અરજી દાખલ કરાવવામાં આવી હતી. આ અરજીને લઇને હાઈકોર્ટે સરકારની પાસે જવાબ માગ્યો હતો. સરકારે જવાબ રજૂ કરતા હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજિયાત કરવા માટે એક મૌખિક સૂચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજિયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.