પાટીદાર અનામત આંદોલનમાં બની બેઠેલા નેતા હાર્દિક પટેલે પોતાની સામેના રાજદ્રોહના કેસમાં હાજર ન રહેવાના જુદા જુદા બહાના કાઢી સુનાવણીમાં ગેરહાજર રહી ટ્રાયલમાં રોડાં નાંખવાનો વધુ એક પ્રયાસ કર્યો હતો. પરંતુ બુધવારે સામાજિક કામે વ્યસ્ત હોવાનું કારણ આગળ ધરી મુદત લેવાનો તેનો આ ઈરાદો બર આવ્યો નહોતો. એડીશનલ સેશન્સ જજ બી.જે.ગણત્રાએ કેસની ગંભીરતા તથા આરોપી તરીકે હાર્દિકની ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ કરવાના સરકારી વકીલના આગ્રહને ગ્રાહ્ય રાખી, આરોપીના વકીલની સહમતિથી બુધવારે આ કેસની ટ્રાયલ શરૂ કરી હતી. જેના આરંભે ગૃહવિભાગના ઉપસચિવ વિજયકુમાર બી.બધેકાની જુબાની લેવાઈ હતી.
ટ્રાયલમાં વિલંબ થાય તેવા પ્રથમદર્શી ઈરાદે માત્ર હાર્દિક જ નહીં પણ દીનેશ બામણીયાએ પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના વકીલ બદલવાનું કારણ આગળ ધરીબે-ત્રણ દિવસનો સમય માટે અને હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હોવાથી મુદત આપવા માટે માંગણી કરી હતી. પરંતુ કોર્ટે તે ફગાવી દીધી હતી.
પાટીદાર આંદોલનમાં સરકાર સામે બળવો સહિતની કલમો હેઠળ હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે ચાર્જફ્રેમ કર્યો હતો. આ પહેલા કેતન લલીતભાઈ પટેલે ગુનાની તમામ હકીકતો જણાવવાનું કહીને તાજનો સાક્ષી બની ગયો હતો. આજે ખાસ સરકારી વકીલ અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટે ગૃહવિભાગના વિજયકુમાર બી.બધેકાની જુબાની લઈને કેસ શરૂ કર્યો હતો. બધેકાએ જુબાનીમાં જણાવ્યુ હતુ કે, ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ અધિકારીએ તપાસના દસ્તાવેજો મોકલ્યા હતા.જેનો અભ્યાસ કરીને રાજદ્રોહ સહિતની કલમો હેઠળ ચાર્જશીટ કરવા માટે ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૯૬ મુજબ મંજૂરી આપવામાં આવી હતી. પોલીસ મહાનિર્દેશક સહિત અન્ય અધિકારીઓ દ્વારા લખવામાં આવેલા પત્રો બતાવવામાં આવતા તેમને ઓળખી બતાવ્યા હતા. બધેકાએ જણાવ્યુ હતુ કે, મારી મંજૂરી બાદ અધિક મુખ્ય સચિવ સમક્ષ ફાઈલ મુકવામાં આવી હતી. જેમને ડીસીબી ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ અધિકારી, ઉપસચિવ (કાયદો અને વ્યવસ્થા) તેમજ વિશેષ શાખાના સેકશન અધિકારી સાથે ચર્ચા કરી હતી. પછી વિગતવાર દરખાસ્ત તેમજ મુસદ્દો અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગને અભ્યાસ અર્થે મોકલ્યો હતો. જેમને અભ્યાસ બાદ ચાર્જશીટ કરવા માટે જરૂરી મંજૂરી આપી હતી. જેની જાણ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને મોકલી આપી હતી. કોર્ટમાં ખાસ સરકારી વકીલે કેસના લગતા દસ્તાવેજો બતાવતા બધેકાએ ઓળખી બતાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા ઉલટ તપાસ કરવા માટે સમય માંગતા કોર્ટે ગ્રાહ્ય રાખીને આગામી ૧૭મીના રોજ મુદત રાખી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.