સુરતની પીપી સવાણી શાળામાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓનો થયો વિરોધ, પોલોસે 8ની અટકાયત કરી

કર્ણાટક રાજ્યમાંથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે દેશભરમાં પ્રસરી રહ્યો છે. સુરતમાં વરાછા વિસ્તારમાં હીરાબાગ ખાતે આવેલી પીપી સવાણી શાળામાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓનો વિરોધ થતા હોબાળો મચી ગયો છે અને પોલીસે વાતનું વતેસર થાયે તે પહેલાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) ના 8 કાર્યકરોની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.અને જો કે વરાછા વિસ્તારમાં હજુ તંગદિલીનો માહોલ છે. અને હિજાબ મુદ્દો હવે એટલો પેચીદો અને ગંભીર બની ગયો છે કે દેશભરમાં તેનો વિરોધ થવા માંડ્યો છે.

જાણવા મળેલી વિગત મુજબ વરાછાની એક શાળામાં કસોટી સ્પર્ધાની પરીક્ષા ચાલી રહી છે અને જેમાં કેટલાંક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા આવી રહી છે એવી જાણ હિંદુ સંગઠન વિશ્વ હિંદુ પરિષદને થતા કેટલાંક કાર્યકરો શાળાએ પહોંચી ગયા હતા અને હિજાબ પહેરનારી વિદ્યાર્થીનીઓનો વિરોધ કરવા માંડ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ શાળા બહાર સુત્રોચ્ચાર શરૂ કરી દેતા મામલો તંગ બન્યો હતો. જો કે કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી કમલેશ ક્યાડા અને નિલેશ અકબરી સહિત 8 કાર્યકરોની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાતને પણ શાહીન બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.અને વીએચપીના નેતાઓએ કહ્યુ કે શાળામાં ભણવા આવતા વિદ્યાથીઓ ધાર્મિક પહેરવેશ પહેરીને આવે તે યોગ્ય નથી. સમગ્ર ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવશે તેમ વીએચપીનું કહેવું છે.

કર્ણાટકથી શરૂ થયેલી હિજાબની આગ અનેક શહેરોમાં પ્રસરી છે. અનેક જગ્યાએ હિજાબના સમર્થનમાં રેલી પણ નિકળી હતી અને હવે સુરતમાં શાળામાં વિદ્યાર્થીના હિજાબ સામે વિરોધનો વંટોળ ઉભો થતા શહેર માટે ચિંતાનો વિષય બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.