– ડીએમકેના પ્રમુખ સ્ટાલિને પણ હિન્દી પોલિટિક્સની ટીકા કરી
– મેં પણ હિન્દી બેલ્ટનો ભેદભાવ અનુભવ્યો છે, લોકો ઈચ્છે છે કે હું હિન્દીમાં જ બોલું : ચિદમ્બરમ્
દક્ષિણ ભારતના ઘણાં પ્રભાવશાળી નેતાઓને વડાપ્રધાન બનતા અટકાવાયા હતા : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીનો આરોપ
ડીએમકે સાંસદ કનિમોઝીએ આરોપ લગાવ્યો હતો કે એરપોર્ટ પર તેણે હિન્દીમાં વાત ન કરી તો અધિકારીએ તેને પૂછ્યું હતું કે શું તમે ભારતીય છો? આ દાવા પછી દક્ષિણ ભારત વિરૂદ્ધ ઉત્તર ભારતના રાજકારણે જોર પકડયું છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય રાજકારણમાં દક્ષિણ ભારતીય નેતાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.
કનિમોઝીને હિન્દી ભાષા બોલવા અંગે ચેન્નઈ એરપોર્ટ પર પૂછાયું તે પછી વિવાદ સર્જાયો છે. દક્ષિણ ભારતના નેતાઓએ હિન્દી બેલ્ટના વર્ચસ્વ અંગે આરોપો લગાવ્યા હતા. ડીએમકેના વડા અને કનિમોઝીના ભાઈ એમ. કે સ્ટાલિને ટીકા કરતા કહ્યું હતું કે હિન્દી ન આવડતું હોય એના કારણે ભારતીય છો કે કેમ એ પૂછાતું હોય તો તો સવાલ એ થવો જોઈએ કે આ ઈન્ડિયા છે કે હિન્દિયા?
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે કનિમોઝી સાથે થયેલી ઘટના ખૂબ જ ગંભીર છે. હિન્દીભાષાના નામે આવું વર્તન થાય તે યોગ્ય નથી. હિન્દી બેલ્ટના નેતાઓના કારણે દક્ષિણ ભારતના નેતાઓ સાથે હંમેશા અન્યાય થયો છે. હિન્દી પોલિટિક્સના કારણે દક્ષિણ ભારતના નેતાઓને રાષ્ટ્રીય રાજકારણમાં યોગ્ય તક મળતી નથી.
કેટલાંય દક્ષિણ ભારતના પ્રભાવશાળી નેતાઓને વડાપ્રધાન બનતા અટકાવાયા હતા. કરૂણાનિધિ, એચ.ડી. દેવગૌડા અને કે. કામરાજ જેવા નેતાઓ વડાપ્રધાન બની શકે તેમ હોવા છતાં તેમને વડાપ્રધાનપદથી દૂર રાખવાની કોશિશ થઈ હતી. તેમ છતાં એચ.ડી દેવગૌડા વડાપ્રધાન બની શક્યા હતા, પરંતુ અન્ય નેતાઓને પૂરતી તક મળતી નથી. ભાષાના કારણે આ નેતાઓની ટીકા થતી હતી.
કુમારસ્વામીના આ આરોપનું કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પણ સમર્થન કર્યું હતું. પી. ચિદમ્બરમ્ે ટ્વીટ કરીને કહ્યું હતું કે કનિમોઝી સાથે થયેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મેં પણ ઘણાં સરકારી અધિકારીઓના ટોણા સહન કર્યા છે.એ લોકો ઈચ્છે છે કે હું તેમની સાથે ટેલિફોનમાં કે રૂબરૂમાં વાત કરૂં ત્યારે હિન્દીમાં જ વાત કરૂં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.