– તમે લખેલી બધી ચિઠ્ઠીઓ હાજર કરો
આ વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઇશાન દિલ્હીમાં થયેલાં હિંસક તોફાનોની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને તમે ‘હિન્દુઓ નારાજ થઇ જશે’ એવી ચિઠ્ઠી કેમ લખી હતી એવો ધારદાર સવાલ દિલ્હી હાઇકોર્ટે દિલ્હીના અતિરિક્ત પોલીસ કમિશનર પ્રવીર રંજનને પૂછ્યો હતો.
શુક્રવારે કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન પ્રવીર રંજને લખેલી કેટલીક ચિઠ્ઠીઓની વાત નીકળી હતી. પોલીસ કમિશનરે અન્ય એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હિન્દુ યુવાનોની ધરપકડથી હિન્દુ સંસ્થાઓ નારાજ થઇ હતી અને હિન્દુ નાગરિકોમાં આક્રોશની લાગણી ફરી વળી હતી.
જસ્ટિસ સુરેશ કુમાર કૈતે એવો આદેશ આપ્યો હતો કે પોલીસ કમિશનરે પોતાના સહાયક પોલીસ અધિકારીઓને લખેલા પાંચેપાચ પત્રો કોર્ટમાં હાજર કરવામાં આવે. જો કે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે વરિષ્ઠ અધિકારી પોતાના સહાયકોને આ રીતે પત્ર મોકલીને માર્ગદર્શન આપી શકે છે. પરંતુ પ્રવીર રંજને મોકલેલી ચિઠ્ઠી કોમવાદી પ્રકારની ગણી શકાય.
જસ્ટિસ સુરેશ કુમાર કૈતે 48 કલાકમાં એ પાંચે પાંચ પત્રો સીલબંધ કવરમાં કોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ પોલીસ કમિશનરે દિલ્હીનાં તોફાનોની તપાસ કરી રહેલા પોતાના સહાયક અધિકારીઓને પત્રમાં એવી સૂચના પણ આપી હતી કે ધરપકડ કરવામાં થોડા સાવધ રહેવું. તમારી ટુકડીના અન્ય લોકોને પણ આ વાત સમજાવી રાખવી.
ફેબ્રુઆરીનાં તોફાનોમાં માર્યા ગયેલા બે જણના કુટુંબોએ પોલીસ કમિશનરના આ પત્રો વિશે અખબારોમાં વાંચીને કોર્ટમાં ધા નાખી હતી. અરજી કરનારા સાહિલ પરવેઝના પિતાને એમના ઘર પાસેજ ગોળી મારીને ઠાર કરવામાં આવ્યા હતા.
બીજા અરજદાર સૈયદ સલમાનીની માતાને એના ઘરમાંજ ઢોરમાર મારીને પતાવી નાખવામાં આવી હતી. જે અખબારે આ રિપોર્ટ પ્રગટ કર્યો હતો એ અખબારને અરજદારોએ પોતાની અરજીમાં પુરાવા રૂપે રજૂ કર્યો હતો. સંબંધિત અંગ્રેજી અખબારે પોલીસ કમિશનરના પત્રોનો આ રિપોર્ટ 15મી જુલાઇએ પ્રગટ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.