લગ્ન કરવા માગતા આંતરધર્મીય યુગલને રક્ષણ આપવા હાઇકોર્ટે સુરત પોલીસને આદેશ આપ્યો..

હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સુરતમાં લગ્ન કરવા માટે પુખ્તવયના વિધર્મી યુવક-યુવતીને પોલીસ રક્ષણ આપો. આ બંનેએ હાઈકોર્ટમાં અરજી કરેલી કે યુવતીના પરિવારજનો તેના લગ્ન કરવાના નિર્ણય સામે નારાજ છે અને તેમને ધમકી મળી રહી છે અને જેથી, તેમના તરફથી તેમને જીવનુ જોખમ છે. યુવતી બહુમતી સમાજની છે અને યુવક લઘુમતી સમુદાયનો છે.

હાઈકોર્ટે તેના આદેશમાં નોંધેલુ છે કે, યુગલ જ્યારે લગ્નની નોંધણી માટે રજીસ્ટ્રાર સમક્ષ હાજર થાય, ત્યારે તેમની સાથે કોઈ અઘટિત ઘટના બને નહીં તે માટે તેમને સુરક્ષા પુરી પાડો અને સુરતના એસપી આ કેસને જુએ અને આ યુગલની સલામતી માટે સુરક્ષા આપે.

અરજદારના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, તેઓ બંને પુખ્તવયના છે અને લગ્ન કરવા માગે છે. આ માટે તેમણે લગ્ન નોંધણી રજીસ્ટ્રાર સમક્ષ 23મેના રોજ અરજી પણ આપેલી છે અને આ પછી 30 દિવસ બાદ તેઓ લગ્ન કરવાના હતા. જો કે, યુવતીના પરિવારજનો આ લગ્નની વાતથી નારાજ છે અને તેમને ધમકી મળી રહી છે,તેથી પોલીસ રક્ષણ આપો. તેઓ થોડા દિવસમાં લગ્ન કરશે. તેમણે પોલીસ રક્ષણ માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે, પરંતુ તેનો કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

જ્યારે બીજી તરફ, રાજ્ય સરકારની રજૂઆત હતી કે યુવતીએ જે આશંકા વ્યક્ત કરી છે, તેવા કોઈપણ પ્રકારના પગલા લેવાયા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.