હોળીના રંગો વચ્ચે ડાકોરમાં બની દુખદ ઘટના, બંદોબસ્તમાં SRP જવાનનુ હાર્ટ એટેકથી મોત

Heart Attack : ફાગણી પૂનમના મેળામાં જવા ડાકોરના રસ્તા ભક્તોથી ઉભરાયા… ડાકોરના ભક્તોની સેવા કરવા લોકોમાં અનેરો ઉત્સાહ… ભક્તો માટે ચા-પાણી, નાસ્તા સાથે મસાજ કરવાની પણ  સેવા કેમ્પોમાં ઉભી કરાઈ સુવિધા…

Holi 2024 : ફાગણી પૂનમના મેળામાં ડાકોર જવા ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. રસ્તાઓ ભગવાનના ભક્તોથી ઉભરાયા છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો પગપાળા ડાકોર જઈ રહ્યાં છે. સવારથી જ ડાકોર મંદિરમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે મેળા વચ્ચે એક દુખદ ઘટના બની છે. ડાકોરના મેળામાં બંદોબસ્તમાં આવેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.

ડાકોરના લોકમેળામાં બંદોબસ્તમાં આવેલા એસઆરપી જવાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે. 40 વર્ષીય રામજીભાઈ પરમાર ડાકોર ફાગણી પૂનમના બંદોબસ્તમાં આવ્યા હતા. સવારે 8:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. રામજીભાઈ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવવા આવ્યા હતા, તેઓ ડાકોર ફાગણી પૂનમના બંદોબસ્તમાં આવ્યા હતા. ઓફિસ વર્ક કરતા કરતા અચાનક રામજીભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

છાતીમાં દુખાવો થતા એમ્બ્યુલન્સ દ્વારા રમેશભાઈને ડાકોર સરકારી હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. રામજીભાઈ પરમાર મૂળ ડીસા તાલુકાના વતની છે. હાલ રામજીભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્સાહ સાથે ભકતો ડાકોર પહોંચી રહ્યાં છે. ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં ભક્તો હોળી મનાવવા માંગે છે. ડાકોરના મેળામાં સૌ ભક્તો ઠાકોરજીને લાડ લડાવશે. વાજતે ગાજતે ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે. આજે ડાકોરમાં ભક્તો ધજા ચઢાવશે.

તો બીજી તરફ, આજે હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ શણગાર કરાયા હતા. ત્યાર બાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવ ઉજવાયો હતો, જેમા હજારો ભક્તો જોડાયા હતા. ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ રંગોત્સવની ઉજવણી માટે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા સાથે પરિવારના મંગલની કામના પણ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.